૨૦૧૮ બાલિવુડને ફળ્યુઃ મહિને એક ફિલ્મની સો કરોડની ક્લબમાં એન્ટ્રી

બાGસ ઑફિસ માટે ૨૦૧૮નું વરસ શુકનિયાળ પુરવાર થયું છે. મજાની વાત એ છે કેવરસ દરમ્યાન બોક્સ ઑફિસ પર સરેરાશ એક ફિલ્મે ૧૦૦ કરોડનો આંક પાર કર્યો છે. અત્યાર સુધીમાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી માત્ર દસ ફિલ્મોએ ૧૫૦૦ કરોડ રૂપિયા કરતા વધુનો  બિઝનેસ કર્યો છે.

સો કરોડ રુપિયાનો પડાવ આમ તો સફળતાનો માપદંડ રહ્યો નથી, કારણ ફિલ્મના નિર્માણ અને  પ્રચાર-પ્રસારના ખર્ચથી ખ્યાલ આવે છે કે ફિલ્મને કેટલો ફાયદો કે નુકસાન થયું છે. પરંતુ આ વરસે રિલીઝ થયેલી જે ફિલ્મે સો કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે એ લો બજેટવાળી હોવાથી નફો તો કર્યો જ છે પણ એને હિટ કે સુપરહિટ ઘોષિત કરાઈ છે. અમુક ફિલ્મો તો એવી છે જે સો કરોડનો બિઝનેસ કરશે એવી કોઈએ અપેક્ષા પણ રાખી ન હોવા છતાં ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી લીધી છે.

આવી એક ફિલ્મ છે સ્ત્રી. આ ફિલ્મો બાGસ ઑફિસ પર ૧૨૫ કરોડથી વધુનો વકરો કર્યો છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના જેવા કલાકાર ધરાવતી અને માત્ર વીસ કરોડમાં બનેલી અમર કૌશિકની આ હૉરર ફિલ્મ ૩૦-૪૦ કરોડનો બિઝનેસ કરે તો ય ભયો ભયો એવી અપેક્ષા સેવાઈ હતી. પરંતુ સ્ત્રી તો એવી દોડી કે સવાસો કરોડના આંકડાને પાર કરી ગઈ.

 

૧૧ મેના રિલીઝ થયેલી રાઝી પણ એવી ફિલ્મોની યાદીમાં છે જેની સો કરોડની  યાત્રા ઘણી રોમાંચક રહી. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ લીડ રોલમાં છે. રાઝી સારી ફિલ્મ હશે એવી અપેક્ષા રખાઈ હતી પણ ટ્રેડ પંડિતોએ પણ ધાર્યું નહીં હોય કે ફિલ્મ સો કરોડનો આંકડો પાર કરી જશે. ફિલ્મે ૧૨૩.૧૭ કરોડનો બિઝનેસ કર્યો.

૧૦૦ કરોડ રૂપિયા સુધી પહાંચીને બધાને ચોંકાવી દીધા હોય તો એ ફિલ્મ છે લવ રંજન દિગ્દર્શિત સોનુ કે ટીટુ કી સ્વિટી. ફિલ્મે સો કરોડ સુધી પહોંચવા ૨૫ દિવસ લીધા પણ ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મે ૧૦૮.૭૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. ફિલ્મની સફળતાને કારણે કાર્તિક આર્યનને સૌથી વધુ લાભ થયો.

૩૦ માર્ચે રિલીઝ થયેલી અહમદ ખાન દિગ્દર્શિત અને ટાઇગર શ્રોફ અને દિશા પટણી અભિનીત બાગી-૨એ ૧૬૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. મજાની વાત એ છે કે સો કરોડની ક્લબમાં એન્ટ્રી કરવા માટે આ ફિલ્મે માત્ર છ દિવસનો જ સમય લીધો હતો.

રાજકુમાર ગુપ્તાના દિગ્દર્શનમાં બનેલી અજય દેવગણની ફિલ્મ રેડ પણ હન્ડ્રેડ કરોડ ક્લબમાં પહોંચી. ૧૬ માર્ચે રિલીઝ થયેલી ફિલ્મે સો કરોડ સુધી પહોંચવા ૨૨ દિવસનો સમય લીધો હતો. ઇન્કમ ટેક્સની રેડ પર આધારિત ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ અને સૌરભ શુક્લા પણ મહત્ત્વના કિરદારમાં હતા.

દેશ આઝાદ થયા બાદ પહેલીવાર ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે છે એ કથાનક પર બનેલી રીમા કાગતી દિગ્દર્શિત ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અક્ષયકુમારે હોકી ટીમના મેનેજરનું પાત્ર ભજવ્યું હતું. ગોલ્ડે ૧૩ દિવસમાં બોક્સ ઑફિસ પર સો કરોડ રૂપિયા જમા કર્યા હતા. નાના પરદાની અભિનેત્રી મૌની રૉયએ આ ફિલ્મથી બાલિવુડની કરિયરની શરૂઆત કરી હતી.

૧૫ જૂને રિલીઝ થયેલી રેમો ડિસોઝા દિગ્દર્શિત સલમાન ખાનની  રેસ-૩ ક્રિટિક્સને પસંદ પડી નહોતી. છતાં ફિલ્મનો આવકનો આંકડો સો કરોડ પાર કરીને ૧૬૯ કરોડ  પર જઈને અટક્યો હતો. જોકે ફ્રેન્ચાઇઝીની શોહરત અને સલમાન ખાનના કદના હિસાબે આ બિઝનેસ સારો તો ન જ કહી શકાય.

સંજય લીલા ભણશાળીની મેગ્નમ ઓપસ પદ્માવત ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ અને માત્ર ચાર જ દિવસમાં સો કરોડના મેજિક ફિગરને આંબી ગઈ. ફિલ્મનો કુલ બિઝનેસ ૩૦૦.૨૬ કરોડ રૂપિયાનો થયો હોવા છતાં ટ્રેડ પંડિતો ફિલ્મને હિટ નથી ગણાવતા. કારણ, ફિલ્મનું બજેટ અધધધ હતું.

૨૦૧૮ની સૌથી મોટી સરપ્રાઇઝ તો સંજય દત્તની બાયોપિક ગણાતી સંજુ પુરવાર થઈ હતી. ૨૯ જૂને રિલીઝ થયેલી રાજકુમાર હિરાણી દિગ્દર્શિત ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં સો કરોડ રૂપિયાના મેજિક ફિગરને આંબી ગઈ હતી. ફિલ્મનો કુલ બિઝનેસ ૩૪૧.૨૨ કરોડ રૂપિયા જેટલો થયો હતો.

ઓક્ટોબર મહિનામાં જે ફિલ્મો રિલીઝ થઈ એમાં અજય દેવગણ નિર્મિત અને પ્રદીપ સરકાર દિગ્દર્શિત હેલિકોપ્ટર ઇલા,  સની દેઓલની ભૈયાજી સુપરહિટ, બધાઈ હો, નમસ્તે ઇંગ્લેન્ડ અને સૈફ અલી ખાનની બાઝારનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ઇલા ફિલ્મથી કાજોલ ફરી મોટા પરદે વાપસી કરી હોવા છતાં દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ નીવડી હતી. તો લાંબા અરસા બાદ નમસ્તે ઇંગ્લેન્ડનું દિગ્દર્શન કરનાર વિપુલ અમૃતલાલ શાહ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યા. જો મોટી ઉંમરે અને એ પણ ઘરમાં પરણવા જેટલો દીકરા હોય ત્યારે પરિણીત મહિલા સગર્ભા બને તો ઘર અને સમાજમાં પરિવાર કેવી સ્થિતમાં મુકાય છે એવું કંઇક અલગ કથાનક ધરાવતી ફિલ્મ બધાઈ હો ધીરી પણ મક્કમ ગતિએ આગળ વધી અને સો કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઈ ગઈ. જ્યારે ૨૬ ઓક્ટોબરે રિલીઝ થયેલી સૈફ અલી ખાનની બાઝાર આખલાની જેમ દોડવાને બદલે રીંછની ચાલે ચાલ્યું.

 

નવેમ્બરના પહેલા અઠવાડિયે ખાસ જાણીતી ફિલ્મો રિલીઝ થઈ નહોતી. પણ નવેમ્બરમાં રિલીઝ થયેલી બે મોટી ફિલ્મોમાં ઠગ્સ ઑફ હિન્દોસ્તા અને ૨.૦ મુખ્ય છે. ઠગ્સ ઑફ હિન્દોસ્તાંમાં આમિર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ જેવા કલાકારની સાથે દેશદાઝની વાત આલેખાઈ હતી. લખલૂટ ખર્ચે ફિલ્મ બની હોવા છતાં દર્શકોને ફિલ્મ જોઈ ઠગાયા હોવાની લાગણી થઈ હતી. ફિલ્મે ભલે સો કરોડનો આંકડો પાર કર્યો હોય પણ અપેક્ષિત વકરો કર્યો નહોતો. જ્યારે અક્ષયકુમારની વિલન તરીકેની પહેલી ફિલ્મ ૨.૦નું બીજું આકર્ષણ છે રજનીકાંત. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી બહુભાષી ફિલ્મ નવેમ્બરના છેલ્લા અઠવાડિયે રિલીઝ થઈ. અપેક્ષા મુજબ આ ફિલ્મે ધંધો કર્યો. આ બે ફિલ્મો ઉપરાંત સની દેઓલની ભૈયાજી સુપરહિટ પણ રિલીઝ થઈ પણ સુપરહિટ થવામાં કામયાબ થઈ નહોતી.

તો વરસના છેલ્લા મહિના ડિસેમ્બરમાં પણ બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાં ૨૧ ડિસેમ્બરે આનંદ એલ. રાય દિગ્દર્શિત અને શાહરૂખ ખાનને ઠીંગુજી તરીકે રજૂ કરતી ઝીરો. તથા ૨૮ ડિસેમ્બરે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા. ૧૪-૧૫ નવેમ્બરે દીપિકા પદુકોણ સાથે લગ્ન કર્યા બાદ રણવીર સિંહની પહેલી ફિલ્મ રિલીઝ થઈ જેણે અપેક્ષા મુજબ બોક્સ ઑફિસ ગજવી હતી. જોકે શાહરૂખ ખાનની ઝીરો ખાસ ઉકાળી શકી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here