રિઝવાન એક એવા સેવાભાવી ભારતીયની બાયોપિક છે જેમણે સેવાની મશાલ આફ્રિકામાં પેટાવી અને એની જ્યોત ભારતમાં પણ લઈ આવ્યા. એક એવી વ્યક્તિ જેને બાળપણમાં ખાવાના સાંસા હોવા છતાં પોતાની થાળીમાંની એક ભાખરીમાંથી અડધી ભૂખ્યાનો જઠરાગ્નિ ઠારવા આપવામાં પરમ આનંદ અનુભવતો. આજે કરોડો રૂપિયામાં આળટતો આ બિઝનેસમેન એકદમ સાદાઈભર્યું જીવન જીવે છે અને પોતાની કમાણીનો મોટાભાગનો હિસ્સો લોકસેવામાં ખર્ચવાનો ભેખ લીધો છે. વાત થઈ રહી છે ગુજરાતમાં જન્મેલા અને આફ્રિકામાં બહોળો ધંધો ધરાવતા બિઝનેસ ટાયકૂન રિઝવાન આડતિયાની. તેમના સેવાયજ્ઞને કેન્દ્રમાં રાખી એક ફિલ્મ બની રહી છે જેનું નામ જ રિઝવાન છે. ફિલ્મમાં રિઝવાન આડતિયાની ભૂમિકા વિક્રમ મહેતા ભજવી રહ્યા છે તો તેમનાં પત્ની સલમાની મહત્ત્વની ભૂમિકા કેયુરી શાહ ભજવી રહ્યાં છે. આ બે ઉપરાંત ફિલ્મમાં સોનુ મિશ્રા, ગૌરવ, હિતેશ રાવલ, દીગિશા ભાર્ગવ તથા જલ્પા ભટ્ટ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. તાજેતરમાં આફ્રિકામાં ફિલ્મનું શૂટિંગ પૂરૂ કરી સ્વદેશ પાછાં ફરેલા કેયુરી શાહે ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન રિઝવાન આડતિયાના આફ્રિકામાં ચાલતા સેવાકાર્યોની સાથે ફિલ્મના અનુભવોની મજેદાર વાતો શેર કરી હતી.

રિઝવાનમાં તમે કઈ ભૂમિકા ભજવી રહ્યાં છો?

ફિલ્મમાં હું રિઝવાન આડતિયાનાં પત્ની સલમાનું પાત્ર ભજવી રહી છું. સલમા એક સમજદાર, ઠરેલ અને શાંત સ્વભાવની મહિલા છે. ઘર હોય કે બિઝનેસ, પતિના સેવા કાર્ય હોય કે ઘરની જવાબદારી… એકદમ સહજતાથી નિભાવે છે. સાચી વાત કહું તો મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે માની નહોતી શકતી કે આ પ્રકારની પણ મહિલા હોઈ શકે. ખરેખર સલમાબહેન જેવી વ્યક્તિ લાખોમાં નહીં, કરોડોમાં માંડ એકાદ મળે.

સામાન્યપણે તમારી છાપ એક ચુલબુલી, મસ્તીમજાક કરતી અભિનેત્રીની છે, તો આવી ધીરગંભીર ભૂમિકામાં તમારી પસંદગી કેવી રીતે થઈ?

તમારી વાત સાચી કે હું લાંબો સમય શાંત રહી શકતી નથી. મજાક-મસ્તી મારો સ્વભાવ છે. પણ મારી એક ખાસિયતે મને ફિલ્મ અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હું જ્યારે પણ ઑડિશન આપવા જતી હોઉં કે નિર્માતા-દિગ્દર્શકને મળવા, હું કદી મેકઅપ કરીને જતી નથી. રિઝવાનના દિગ્દર્શક હરેશ વ્યાસને મળવા ગઈ ત્યારે પણ વિધાઉટ મેકઅપ અને જીન્સ-ટૉપ જેવા ફોર્મલ ડ્રેસમાં ગઈ હતી. આ વાત હરેશજીને સ્પર્શી ગઈ. ઉપરાંત મેં તેમની પાસે સ્ક્રિપ્ટ વાંચવા માંગી અને પાત્રને સમજવાની કોશિશકરી. મને જ્યાં શંકા જેવું લાગ્યું તો એ અંગે દિગ્દર્શક સાથે ચર્ચા કરી. કદાચ મારૂં ઇન્વોલ્વમેન્ટ તેમને પસંદ પડ્યું અને મને સલમાબહેનના મહત્ત્વના કિરદાર માટે પસંદ કરી.

વિદેશમાં અને એ પણ એક બાયોપિક શૂટ કરવાનો અનુભવ કેવો રહ્યો?

અવર્ણનીય. નિર્માતા-દિગ્દર્શક યુનિટની પૂરી સંભાળ રાખતા હતા, અમને કોઈ વાતે ખોટ આવવા દીધી નહોતી. બીજું, ડિરેક્ટર હરેશ વ્યાસનું વિઝન એકદમ સ્પષ્ટ હતું.

બેઝિકલી તમે થિયટેરથી શરૂઆત કર્યા બાદ ફિલ્મ અને ટીવી સિરિયલ પણ કરી છે. તો આ ત્રણેય ફોર્મેટને અનુકુળ ટેક્નક કેવી રીતે આત્મસાત કરી?

નિરીક્ષણની સાથે શીખવાની ધગશ. આજે પણ મારો સીન પૂરો થયા બાદ મોનિટર પાસે બેસી જઉં છું. મોનિટર પાસે જે કોઈ બેઠું હોય તેમની કોમેન્ટ તમને ઘણું શીખવી જાય છે.