આમ તો તાપસી પન્નુ એની આગામી ફિલ્મ બદલાના પ્રમોશનમાં વ્યસ્ત હોવા છતાં સાંડ કી આંખ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના જોહરી ગામમાં કર્યું હતું.અનુરાગ કશ્યપ પ્રોડક્શનની ફિલ્મમાં શાર્પ શૂટરની ભૂમિકા ભજવતી તાપસીએ ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી વેળા પણ સમયનો સદુપયોગ કર્યો હતો. ચાલુ ટ્રેને અભિનેત્રીએ રાઇફલ અને ઍર પિસ્ટલ કેમ ચલાવવી એની તાલીમ લીધી હતી. તુષાર હિરાનંદાનીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મમાં દેશની સૌથી મોટી વયની શાર્પ શૂટર મહિલાની બાયોગ્રાફી છે જેમાં તાપસીની સાથે ભૂમિ પેડણેકર પણ જોવા મળશે.

તાપસી એની ટ્રેનિંગ અંગે જણાવતા કહે છે કે, હું મારા કોચ વિશ્વજીત શિંદે સાથે રોજ સવારે શૂટિંગ રેન્જમાં જઇને ચાર કલાકની ટ્રેનિંગ લઈ રહી છું. મેં રમતની જાણકારી મેળવવાની સાથે શરૂઆત કરી, હવે બંદૂક કેમ પકડવી, ફાયરિંગ કરતી વખતે કેવી સાવચેતી રાખવી એ બધી બાબતોની જાણકારી મેળવી રહી છું.

તાપસી કહે છે કે શૂટિંગ મારા માટે એટલું સરળ નહોતું. હું જ્યારે પણ પ્રયાસ કરતી મને ડર લાગતો. પણ હું આ ફિલ્મ એટલા ટે કરી રહી છું કે મારા મનમાં રહેલા ભયને હું દૂર કરી શકું.