બૉલિવુડ માટે ૨૦૧૮ની સાલના નવેમ્બર અને ડિસેમ્બર મહિના અનેક રીતે યાદગાર બની  રહેશે. કારણ, બૉલિવુડ અને હોલિવુડમાં પોતાના અભિનયના કામણ પાથરનાર બે દિગ્ગજ અભિનેત્રીઓ દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાનાં લગ્ન. દીપિકા પદુકોણ અને રણવીર સિંહે ૧૪-૧૫ નવેમ્બરનાં લગ્ન કર્યાંતો પ્રિયંકા-નિક જોનાસે ડિસેમ્બરમાં. જોકે અત્યારે આપણે વાત કરવી છે દીપવીરની.

મજાની વાત એ છે કે દીપિકા અને રણવીર સિંહે જેટલી પણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે એ તમામ બોક્સઑફિસ પર હિટ થઈ છે. રણવીર અને દીપિકાએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને એ ત્રણેય ફિલ્મોનું દિગ્દર્શન સંજય લીલા ભણશાળીએ કર્યું છે. ત્રણે ફિલ્મોની કમાણી ૧૦૦૦ કરોડ કરતા વધુ છે. ચાલો, જોઇએ દીપિકા-રણવીરની કઈ ફિલ્મે બોક્સઑફિસ પર કેટલી કમાણી કરી છે…

ગોલિયાં કી રાસલીલા રામલીલા

સંજય લીલા ભણશાળીની આ ફિલ્મ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. ૮૮ કરોડ રુપિયાના બજેટમાં બનેલી ફિલ્મે ૨૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં રણવીર અને દીપિકાનો રોમાન્સ પહેલીવાર દર્શકોને જોવા મળ્યો. બંનેની કેમેસ્ટ્રીને દર્શકોને ઘણી પસંદ પડી. એવું કહેવાય છે કે ફિલ્મ શેક્સપિયરના પુસ્તક રોમિયો અને જુલિયટ પર આધારિત હતી. રામલીલાના સેટ અને મ્યુઝિક પણ લોકોને ઘણા પસંદ પડ્યા હતા. એવું કહેવામાં કંઈ ખોટું નથી કે આ ફિલ્મથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો.

બાજીરાવ મસ્તાની

સંજય લીલા ભણશાળીની આ ફિલ્મ ૧૮ ડિસેમ્બર ૨૦૧૫ના રિલીઝ થઈ. ફિલ્મનું બજેટ ૧૪૫ કરોડ રૂપિયા હતું અને બિઝનેસ કર્યો ૩૫૬ કરોડનો. ફિલ્મમાં પેશ્વા બાજીરાવ અને એની બીજી પત્ની મસ્તાનીના પ્રેમને દર્શાવાયો હતો. અહીં પણ લોકોએ બંનેની જોડીને ભરપુર પ્રેમ આપ્યો. ફિલ્મમાં દીપિકા અને રણવીર ઉપરાંત પ્રિયંકા ચોપરાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પ્રિયંકાએ બાજીરાવની પહેલી પત્ની કાશીબાઈનું પાત્ર ભજવ્યું હતું. બાજીરાવ મસ્તાનીએ ૨૦૧૫ની સૌથી હિટ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું હતું.

પદ્માવત

સંજય લીલા ભણશાળીની આગલી બે ફિલ્મોમાં રણવીર-દીપિકાનો રોમાન્સ જોવા મળ્યો હતો તો પદ્માવતમાં બંનેની અદાવત જોવા મળી.ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવનાર રણવીર સિંહ મેવાડની મહારાણી પદ્મવતી (દીપિકા પદુકોણ)ને કોઈ પણ ભોગે પામવા માંગે છે પણ એ શક્ય બનતું નથી. અનેક વિરોધને અંતે ફિલ્મ રિલીઝ થઈ અને બોક્સઑફિસ પર ટંકશાળ પાડી. પદ્માવતનું બજેટ ૨૧૫ કરોડ રૂપિયા હતું અને ફિલ્મે ૫૮૫ કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here