રાજકુમાર રાવઃ એ ટેલિફોને મારી લાઇફ બદલી નાખી

માત્ર અભિનય પ્રતિભાના જોરે માત્ર સાત વરસમાં બૉલિવુડમાં આગવું સ્થાન મેળવવાની સાથે અનેક ઍવોર્ડ પણ મેળવનાર રાજકુમાર રાવ હાલ તેમની આગામી ફિલ્મ સ્ત્રીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૩૧ ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં તેમની હીરોઇન છે શ્રદ્ધા કપૂર. ફિલ્મી ઍક્શન સાથેની તેમની મુલાકાત દરમ્યાન સ્ત્રી ઉપરાંત તેમના સ્ટ્રગલના દિવસોની વાતો પણ કરી હતી.

ચંદેરી જેવા નાનકડા કસ્બામાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?

મહાભારતના સમયથી આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ રહ્યું છે.અહીં અનેક કિલ્લાઓ આવેલા છે ઉપરાંત અહીંની ગલીઓ પણ અલગ પ્રકારની છે. ફિલ્મી માહોલના હિસાબે એક અલગ પ્રકારની નવીનતા જોવા મળશે. હું જ્યારે ત્યાં ગયો ત્યારે મારા પાત્રની તૈયારી માટે સ્થાનિક લોકોને મળ્યો અને તેમની સાથે વાતચીત કરી. અહીં આવીને જાણે હું એક અલગ દુનિયામાં હોઉં એવું લાગી રહ્યું હતું. ફિલ્મમાં અહીંના સ્થાનિક રહેવાસીઓ પણ જોવા મળશે.

આજે ભલે ઇન્ડસ્ટ્રીમાં તમારી ગણના સારા અભિનેતા તરીકે થતી હોય પણ આ સ્થાને પહોંચવા કેટલી સ્ટ્રગલ કરવી પડી?

સ્ટ્રગલ તો ઘણી કરી પણ એના ફળ હું આજે ચાખી રહ્યો છું. હું મુંબઈ આવ્યો દિલ્હીથી આવી સફળતાની ટોચે બિરાજનાર  શાહરૂખ ખાનને જોઈ. જો મુંબઈ બહારની એક વ્યક્તિ જો નામ-દામ કમાઈ શકતી હોય તો હું કેમ નહીં? બસ, આ જ વાત મારા દિમાગમાં ઘર કરી ગઈ અને મેં મુંબઈની વાટ પકડી. લાંબા અરસા સુધી મેં છૂટક કામો કર્યા. અમુક જાહેરખબર તો એવી હતી જેમાં હું દસમા ક્રમાંકે હોઉં. જેમ તેમ કરીને મહિને દસેક હજાર રુપિયા કમાઈ લેતો. ક્યારેક એવા દિવસો આવતા જ્યારે મારા ખીસામાં ફૂટી કોડી પણ ન હોય. એવા સમયે મિત્રો સાથે ખાવાનું શેર કરતો હતો. મેં કોઈ નક્કર પ્લાન બનાવ્યો નહોતો, ઑડિશન થવાનું છે એમ ખબર પડે કે ત્યાં દોડી જતો. તેઓ મને નાના રોલ આપતા હતા અને હું તેમને મોટા રોલ માટે મનાવવાની કોશિશ કરતો, પરંતુ કોઈ માનતું નહોતું. આમ છતાં હું હિંમત હાર્યો નહોતો અને મને વિશ્વાસ હતો કે કોઈ ને કોઈ મારી ટેલેન્ટને પારખશે.

મને આજે પણ યાદ છે કે જ્યાં સુધી લવ સેક્સ ઔર ધોખાના ઑડિશન માટે બોલાવતા નહોતા ત્યાં સુધી હું સતત અતુલ માંગિયાને પૂછતો રહેતો. મેં ૩-૪ ટેસ્ટ આપ્યાને અઠવાડિયું વીતી ગયું છતાં કોઈ જવાબ આવ્યો નહીં. પણ આખરે મારી મહેનત, મારી સ્ટ્રગલનું ફળ મને મળ્યું. હું ઘરમાં એકલો હતો ત્યારે મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો ફોન આવ્યો. એ શબ્દો હતા, હો ગયા હૈ… યુ ગોટ ધ ફિલ્મ.

હું ઘૂંટણ ટેકવીને બેસી ગયો…સૌપ્રથમ મમ્મીને ફોન કરી સમાચાર આપ્યા. બસ, ત્યારની ઘડી અને આજનો દિન પાછા વળીને જાયું નથી.