તીન તલાક જેવા નાજુક વિષય પર આધઆરિત ફિલ્મ કોડ બ્લુનું પ્રીમિયર ટૂંક સમયમાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે યોજાશે. ફિલ્મના દિગ્દર્શક અલીના ખાને લાગણીભર્યા સ્વરે કહ્યું હતું કે મારી ફિલ્મ ત્રણ એવા શબ્દો પર આધારિત છે જે ત્રણ સેકન્ડમાં લાખો મહિલાઓની જિંદગી બરબાદ કરી દે છે.

ત્રણ તલાક એક એવી વિવાદાસ્પદ પ્રથા છે જેના થકી એક મુસ્લિમ પુરૂષને એવો હક મળે છે કે ત્રણવાર તલાક બોલી પોતાની પત્નીને હંમેશ માટે છોડી શકે છે. એ તલાક માત્ર મૌખિક રીતે જ નહીં પણ લેખિત અને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પણ આપી શકે છે. એવામાં અલીના ખાનની ફિલ્મ આ પ્રકારના તલાકને કારણે મુસ્લિમ સમાજ પર પડતી ઊંડી અસર પર પ્રકાશ ફેંકે છે. સમાજના અનેક લોકો હનાફી ઇસ્લામિક વિચારધારામાં માનનારા છે.

ત્રણ તલાક મુસ્લિમ પુરૂષ માટે પોતાની પત્નીથી છૂટકારો મેળવવાનો સૌથી આસાન રસ્તો છે અને એ માટે કોઈ નક્કર કારણની પણ જરૂર પડતી નથી. આને કારણે નિકાહ હલાલાની પ્રથાને પણ નિભાવવી પડે છે. જેમાં તલાકશુદા મુસ્લિમ મહિલાને પોતાના પહેલા પતિ સાથે ફરી રહેવું હોય તો એણે પહેલાં બીજા લગ્ન કરવા પડે છે.

મુસ્લિમ મહિલાઓના સંગઠન ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન (બીએમએમએ)એ આ પ્રથાના વિરોધમાં તેમનો અવાજ બુલંદ કર્યો હતો. પ્રેક્ટિસિંગ મુસ્લિમ ડૉક્ટર અલીના ખાને ત્રણ તલાકનો ભોગ બની બરબાદ થયેલી મહિલાઓની વ્યથાને ફિલ્મના માધ્યમથી રજૂ કરવાનું નક્કી કર્યું. અલીના ખાન કહે છે કે પીડિત મહિલાઓના દરદને સમજવા અને એને દુનિયા સામે રજૂ  કરવાનો સૌથી શ્રેષ્ઠ માધ્યમ જો કોઈ હોય તો એ ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માણ દરમ્યાન અનેક પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો પણ પરિવારજનોએ હંમેશ સાથ આપ્યો.

કોડ બ્લુ રાહત કાઝમી ફિલ્મ્સના સહોયગમાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં આલોકનાથ, રિશી ભુતાની, સુસ્મિતા મુખર્જી અને અલીના ખાન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here