શ્રેયસ તલપદેનું નામ સાંભળવાની સાથે જ ગોલમાલ ફિલ્મનો લક્ષ્મણ નજર સમક્ષ તરી આવે. મસ્તમજાની કૉમેડી કરતા આ કલાકારે કરિયરની શરૂઆતમાં સંવેદનશીલ ભૂમિકા ભજવી છે એમ કોઈ કહે તો માન્યામાં ન આવે. મરાઠી સિરિયલ દામિનીથી લાઇમલાઇટમાં આવેલા શ્રેયસની ઇકબાલ ફિલ્મે છાકો પાડી દીધો. ડોર જેવી સંવેદનશીલ ફિલ્મ કર્યા બાદ એની ઇમેજ ધીર-ગંભીર અભિનેતા તરીકે થવા લાગી. જોકે ફરાહ ખાન દિગ્દર્શિત અને શાહરૂખ ખાન અભિનીત ઓમ શાંતિ ઓમ ફિલ્મના પપ્પુ માસ્ટરના પાત્રએ શ્રેયસને એક અલગ ઓળખ આપી. હાલ સોની સબ પર પ્રસારિત થઈ રહેલી માય નેમ ઇજ લખન સિરિયલ કરી રહેલા શ્રેયસે ફિલ્મી ઍક્શનને આપેલી ખાસ મુલાકાતમાં સિરિયલ ઉપરાંત એની કરિયર વિશે મોકળા મને વાત કરી હતી.

માય નેમ ઇજ લખનમાં કેવા પ્રકારની ભૂમિકા છે?

આ એક લિમિટેડ એપિસોડ ધરાવતી સિરિયલ છે. વીક એન્ડ ટાઇમસ્લોટમાં પ્રસારિત થઈ રહેલી સિરિયલ માત્ર 26 એપિસોડની જ છે. શોમાં હું લખનની ભૂમિકા ભજવી રહ્યો છું જે એક મુંબઈ જેવા શહેરનો ટપોરી છે. અને એનો એક ટિપિકલ જાયલોગ છે, ‘ભારી પડેગા અપન સે ટશન, બીકોઝ માય નેમ ઇજ લખન.’ જોકે હું માય નેમ ઇજ લખનને ટીવી શો કહેવાને બદલે એપિસોડિક ફિલ્મ કહીશ. કારણ, શોમાં ફિલ્મ જેવી જ ભવ્યતા, ઍક્શન સીન્સ, લોકાલ્સ વગેરે જોવા મળશે.

 

બૉલિવુડની ખ્યાતનામ કલાકાર બહેનો જયશ્રી ટી અને મીના ટી આપના રિલેટિવ થાય છે તો એમના પગલે અભિનયને કારકિર્દી બનાવી?

બંને મારાં ફોઈ છે પણ નાનપણમાં મને ફિલ્મો કે અભિનય પ્રત્યે ખાસ લગાવ નહોતો. પરંતુ હું સાતમા-આઠમા ધોરણમાં હતો ત્યારે એક નાટક જોયું જે મને ઘણું સ્પર્શી ગયું. અગાઉ નાટકોને હું બોરિંગ ગણતો હતો પણ આ નાટક જોયા બાદ મારા વિચારો બદલાયા અને અભિનય પ્રત્યેનો લગાવ વધ્યો. શરૂઆતમાં નાટકો કર્યા બાદ મરાઠીની લોકપ્રિય સિરિયલ દામિની કરી જેણે મને મરાઠી ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ આપી.

 

 

કરિયરની શરૂઆતમાં તમે ધીર-ગંભીર કહી શકાય એવી ફિલ્મો ઇકબાલ, ડોર કર્યા બાદ અચાનક કૉમેડી તરફ કેમ વળ્યા?

પહેલી વાત, એક કલાકાર તરીકે હું એવું માનું છું કે મારે દરેક પ્રકારની ભૂમિકા ભજવવી જોઇએ. જોકે ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ રહ્યો છે કે કલાકાર એક જ પ્રકારની ભૂમિકા બે-ચાર ફિલ્મમાં કરે તો એના માથે લેબલ ચોંટાડી દે છે. મારે મારી જાતને વર્સટાઇલ એક્ટર તરીકે પ્રસ્થાપિત કરવી હતી. એટલે જ્યારે મને કૉમેડી ફિલ્મની ઓફર આવી તો મેં તુરંત હા પાડી. હું માનું છું કે કૉમેડી કરવી સહેલી નથી પણ કલાકારે દરેક પડકાર ઝીલવો જોઇએ. અને મને સ્કૂલના સમયથી ચેલેન્જ સ્વીકારવી પસંદ છે.

તમારૂં ઓલ ધ બેસ્ટ નાટક સુપરડુપર હિટ હતું. ભવિષ્યમાં કોઈ નાટક કરવાનું પ્લાનિંગ ખરૂં?

ઇચ્છા તો ઘણી છે પણ હાલ એને માટે સમય નથી. તમે સમજી શકો છો કે નાટકના રિહર્સલથી લઈ શો માટે કેટલો સમય ફાળવવો પડે. જોકે નાટકનો જીવ હોવાથી સારી સ્ક્રિપ્ટ મળે કે નાટક ભજવીશ પણ એના શો લિમિટેડ હશે.

મરાઠીમાં પોસ્ટર બૉય્ઝ જેવી હિટ ફિલ્મ આપી જેની રીમેક હિન્દીમાં પણ બની તો આગામી કોઈ ફિલ્મ?

પ્લાનિંગ ચાલું છે પણ એના વિશે વાત કરવી હાલ ઘણું વહેલું ગણાશે. ફિલ્મ હિન્દી હશે કે મરાઠી એની તમને ટૂંક સમયમાં જાણ થશે.

તમારી એડલ્ટ કૉમેડી વેબ સિરીઝ બેબી કમ નાએ ધૂમ મચાવી, નવી કોઈ સિરીઝ કરી રહ્યા છો?

ડિજિટલ માધ્યમ એક પાવરફુલ મિડિયમ છે. સિરીઝ કરવાનો અનુભવ મજેદાર રહ્યો. ભવિષ્યમાં પણ કોઈ સારી ઑફર હશે તો ચોક્કસ કરીશ.

છેલ્લો સવાલ, સુપરહિટ ફિલ્મો કર્યા બાદ સ્મોલ સ્ક્રીન પર કમબેક કર્યું કેવું લાગે છે?

હું બિગ-સ્મોલમાં માનતો નથી. એક કલાકાર જેટલી મહેનત ફિલ્મમાં કરે છે એટલી જ મહેનત સિરિયલ માટે પણ કરતો હોય છે. હા, ફરક એટલો છે કે ફિલ્મ તમે થિયેટરમાં જઈને જુઓ છો તો સિરિયલ ઘરે બેસીને ટીવી પર જોતા હો છો. ફિલ્મ બે-અઢી કલાકની હોય છે જ્યારે સિરિયલમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી. દર્શકોને પરદાની સાઇઝથી કોઈ ફરક પડતો નથી. જો એવું હોત તો લોકો મોબાઇલ પર વેબ સિરીઝ જોતા ન હોત. આજે ડિજિટલ માધ્યમનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે થિયેટરમાં તો શું ઘરે બેસીને ટીવી પર પણ શો જોવાને બદલે પોતાની અનુકુળતાએ મોબાઇલ ફોન પર પસંદગીની ફિલ્મ કે શો જોવાનું પસંદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here