20 ફેબ્રુઆરી, 2015 બે ખાસ ફ્રેન્ડ, તળપદી ગુજરાતીમાં જેને લંગોટિયા મિત્રો કહેવાય છે એ વૈશલ શાહ અને કૃષ્ણદેવ યાજ્ઞિક ભેગા થયા અને શરૂ કરી ઢોલિવુડની કાંટાળી યાત્રા. કાંટાળી એટલા માટે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સાડાસાતીનો દોર ચાલી રહ્યો હતો ત્યારે 56ની છાતી ધરાવતા બંને મિત્રોએ ગુજરાતી ફિલ્મ અને એ પણ ત્યારના દોર કરતા સાવ અલગ વિષય સાથે. એ સમયે કદાચ ઘણાએ તેમને ચેતવ્યા પણ હશે કે ગુજરાતીમાં આવા વિષય ન ચાલે. પણ બંનેને કોઈ ડગાવી ન શક્યા અને તેમણે જે ફિલ્મ બનાવી એ એવી ચાલી કે એ પ્રકારના જ વિષય ધરાવતી અનેક ફિલ્મો બનવા લાગી. ફિલ્મનું નામ હતું છેલ્લો દિવસ. મજાની વાત એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શનિ-રાહુ-કેતુની છાયામાં હતી ત્યારે રિલીઝ થયેલી અને બોક્સ ઑફિસના તમામ રેકોર્ડ તોડનારી ફિલ્મ છેલ્લો દિવાસની હિન્દી રીમેક પણ બની. લાંબા અરસા બાદ ગુજરાતીમાંથી હિન્દી ફિલ્મ બનવાની અવળી ગંગા વહી.

સામાન્યપણે આજકાલ એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ગુજરાતીમાં ફિલ્મ હિટ થાય એટલે તેઓ સીધી બૉલિવુડમાં છલાંગ લગાવી દે છે. એમાં ખોટું પણ નથી, દરેકને સફળતાની સીડી ચડવી જ ગમે. પરંતુ મિત્રોની આ જોડીએ હિન્દી રીમેક તફરી બનાવવા છતાં બૉલિવુડમાં આગળ વધવાને બદલે ફરી ઢોલિવુડમાં આવી ગયા.

છેલ્લો દિવસ બાદ તેમણે ફરી એવી વ્યક્તિની લવ સ્ટોરી પરદા પર લઈ આવ્યા કે દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. કરસનદાસ પે ઍન્ડ યુઝ. સુલભ શૌચાલયના કેરટેકરની પ્રેમ કહાણી દર્શકોને એટલી પસંદ પડી કે ન પૂછો વાત. ત્યાર બાદ શું થયું, વાંઢા વિલાસ. આ ચાર ફિલ્મોએ બોક્સ ઑફિસ પર એવી ધમાલ મચાવી કે વકરો પચાસ કરોડને આંબી ગયો. આ ચારેય ફિલ્મો જોનારા હતા વિશ્વભરના 3.25 કરોડ ગુજરાતીઓ.

હવે ઇંતજાર છે બેલ્વેડર ફિલ્મ્સની આગામી ફિલ્મની. જોઇએ વૈશલ શાહ અને કૃષ્ણદેવ યાજ્ઞિકની જોડી ક્યો વિષય લઈને આવી રહી છે.