બાલિવુડમાં અત્યારસુધી પ્લસ સાઇઝના કલાકારોને માત્ર મજાકનું કેન્દ્ર બનાવતી હોય એવી ભૂમિકાઓ જ ઑફર થતી આવી છે. હૉલિવુડની જેમ ભારતમાં અપવાદરૂપ ફિલ્મો છોડીને પ્લસ સાઇઝ માટે ખાસ ભૂમિકાઓ લખાતી નથી. તાજેતરમાં ભૂમિ પેડણેકરને ચમકાવતી દમ લગા કે હઇશામાં ભૂમિની પ્…

બાલિવુડમાં અત્યારસુધી પ્લસ સાઇઝના કલાકારોને માત્ર મજાકનું કેન્દ્ર બનાવતી હોય એવી ભૂમિકાઓ જ ઑફર થતી આવી છે. હૉલિવુડની જેમ ભારતમાં અપવાદરૂપ ફિલ્મો છોડીને પ્લસ સાઇઝ માટે ખાસ ભૂમિકાઓ લખાતી નથી. તાજેતરમાં ભૂમિ પેડણેકરને ચમકાવતી દમ લગા કે હઇશામાં ભૂમિની પ્લસ સાઇઝને દર્શકોએ આવકારી તેમ ટીવી ક્ષેત્રે અંજલિ આનંદે નવો ચીલો ચાતર્યો છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી ઢાઈ કિલો પ્રેમમાં અંજલિ આનંદ મુખ્ય ભૂમિકામાં હતી. તાજેતરમાં કુલ્ફીકુમાર બાજેવાલામાં કામ કરી રહેલી અભિનેત્રીએ ફિલ્મી ઍક્શન સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી.

અભિનેતા સ્વર્ગીય દિનેશ આનંદની પુત્રી અંજલિની માતા પૂર્ણિમા જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનાં સહાયક હતાં. અંજલિએ પણ એની કરિયરની શરૂઆત વેડિંગ કોરિયોગ્રાફીથી કરી હતી. જાકે એને અભિનેત્રી બનવું હતું એટલે બેરી જોન પાસે વિધિવત અભિનયની તાલીમ લીધા બાદ મૉડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી. એ સાથે અંજલિ પ્લસ સાઇઝ ક્લોથિંગની બ્રાન્ડ એમ્બેસેડર પણ બની.

અંજલિ કહે છે કે મારી પ્લસ સાઇઝ કદી કારકિર્દી આડે આવી નથી કે એને કારણે હું ડિપ્રેસ થઈ નથી. હા, મેં પહેલેથી નક્કી કર્યું હતું કે એવું કોઈ પાત્ર નહીં સ્વીકારું જેમાં મારા શરીરને કારણે હું મજાકનું કેન્દ્ર બનતી હોઉં. આપણે ત્યાં પ્લસ સાઇઝને ફિલ્મોમાં હાંસીપાત્ર દર્શાવાય છે એ ટ્રેન્ડ મારે બદલવો છે.

પ્લસ સાઇઝને કેન્દ્રમાં રાખી ભાગ્યે જ કોઈ સબ્જેક્ટ લખાતો હોય છે. જોકે હું સદનસીબ છું કે સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી ઢાઈ કિલો પ્રેમમાં મને મોકો મળ્યો. આ પાત્ર માટે નિર્માતાએ નવસોથી વધુ યુવતીઓના ઑડિશન લીધા બાદ મારી પસંદગી કરવામાં આવી હતી.

હવે સ્ટારપ્લસ પર જ પ્રસારિત થઈ રહેલી કુલ્ફીકુમાર બાજેવાલામાં મોહિત મલિકની પત્ની લવલીની ભૂમિકા ભજવી રહી છું. લવલી મ્યુઝિક પ્રોડ્યુસરની પુત્રી છે જ્યારે મોહિત ગાયક છે જે એના પિતાની કંપનીમાં કામ કરે છે. લવલીએ ખાસ દુનિયા જોઈ નથી એટલે એના વ્યવહારને જોઈ લોકો વેમ્પ કહે છે પણ હકીકતમાં એવી નથી. સિરિયલ હવે રસપ્રદ વળાંક લઈ રહી છે અને હવે મારૂં અસલી સ્વરૂપ દર્શકોને જાવા મળશે.