સફળતાની સીડી ચઢવી હોય તો એક એક પગથિયું ઉપર જવાય, જો હનુમાન કૂદકો મારવા ગયા તો ઉંધે માથે પછડાવાનું જોખમ રહેલું છે. આ વાત સુપેરે જાણતી તૃષ્ણા વ્યાસ કરિયરમાં આગળ વધવા ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવતી ગઈ. એક શરૂઆત પ્રિન્ટ ઍડથી કરી. એ સાથે અભિનયમાં કરિયર બનાવવા જરૂરી ટ્રેનિંગ પણ લેવાની શરૂઆત કરી. અભિનેત્રી માટે જરૂરી એવી ડાન્સની તાલીમ બૉલિવુડનાં જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાન પાસે લીધી. અભિનયકળા તો ઉપરવાળાએ આપી જ હતી, જરૂર હતી યોગ્ય દિશામાં પ્રયાસ કરવાની. અને એનો આ પ્રયાસ એટલો ફળ્યો કે બૉલિવુડના પર્ફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાને એની સિક્રેટ સુપરસ્ટારમાં નાના પણ મહત્ત્વના પાત્ર માટે તૃષ્ણાની પસંદગી કરી હતી.

તૃષ્ણા કહે છે કે, શરૂઆતમાં પ્રિન્ટ ઍડથી કરિયરની શરૂઆત કર્યા બાદ જેમ કોન્ફિડન્સ આવતો ગયો તેમ આગળ વધવાનું શરૂ કર્યું. એક પ્રોડક્ટ માટેની ઍડ ફિલ્મ કર્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો. એ સમયે મેં દામ ને બદલે કામને મહત્ત્વ આપ્યું હતું. આજે એનું ફળ મને મળી રહ્યું છે. ઍડ ફિલ્મો જોઈ નિર્માતા-દિગ્દર્શકોએ મારામાં રહેલી અભિનય પ્રતિભા પિછાણી અને મને આલબમ અને પછી ફિલ્મની ઑફર આપવા લાગ્યા. માત્ર બે-ત્રણ વરસની કરિયરમાં દસેક ફિલ્મો કરનાર તૃષ્ણાની લેટેસ્ટ ફિલ્મ પ્રીતનું વચન એ મોતનું કફન 15 માર્ચે રિલીઝ થઈ છે. જનક વ્યાસ દિગ્દર્શિત ફિલ્મમાં તૃષ્ણા સાથે છે ઇશ્વર ઠાકોર, હર્ષદ ઠાકોર, નદીમ વઢવાણિયા અને જીતુ પંડ્યા. તૃષ્ણા આ મલ્ટીસ્ટારર ફિલ્મથી ઘણી અપેક્ષા સેવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here