માણસ પાસે ગમે તેટલા રૂપિયા હોય પણ વધુ પૈસા મેળવવાની લાહ્ય જતી નથી. પણ પૈસા પાછળની આંધળી દોટ ક્યાંક ઉંધે રવાડે ચડાવી દે એ પણ ન ચાલે. આ વાતને કેન્દ્રમાં રાખતું નવું નાટક છતે પૈસે ઠન ઠન ગોપાળ રવિવારે ઓપન થયું છે. એમ. ડી. પ્રોડક્શન દ્વારા નિર્મિત, પ્રયાગ દવે લિખિત અને વિપુલ વિઠલાણી દિગ્દર્શિત છતે પૈસે ઠન ઠન ગોપાળના મુખ્ય કલાકારો છે વિપુલ વિઠલાણી, મનીષા વોરા, ધ્રુવ બારોટ, શૈલજા શુક્લા, આકાશ સેજપાલ અને પૂજા.

આ પારિવારિક નાટકના મુખિયા ચંદ્રકાંત વ્યાસ મુંબઈના એક પરામાં રહેવાની સાથે રમકડાંનો ધંધો કરે છે. તેમના દાદા વારસામાં ઘર અને એ પણ મુંબઈ જેવા શહેરમાં આપી ગયા હોવા છતાં ચંદ્રકાંત વ્યાસ અને તેમનાં ફૅમિલીને એવું લાગ્યા કરે છે કે દાદા મોટો વારસો આપી શક્યા હોત પણ મોટો દલ્લો તેમણે આપ્યો નહીં. ચંદ્રકાંત વ્યાસને કારણે આ ખટકો પરિવારના તમામ સભ્યોને છે.

દરમ્યાન પુત્રીનાં લગ્ન નક્કી થાય છે અને બધા એની તૈયારીમાં પડે છે. ચંદ્રકાંતને લાગે છે કે લગ્ન છે તો ઘરને નવેસરથી સજાવીએ. ઘરનું રિપેરિંગ થઈ રહ્યું હોય છે ત્યારે એક ચમત્કાર થાય છે અને એમાં છુપાવાયેલો ખજાનો તેમને હાથ લાગે છે. મોટો ખજાનો હાથ લાગતા પરિવારના તમામ સભ્યોની આંખો ચમકી ઉઠે છે.

ખજાનો તો હાથ લાગ્યો પણ આખી વાત ફંટાય જાય છે. એક બાજુ ધનનો ઢગલો છે પણ એ પરિવારજનોને શું આપે છે અને બદલામાં શું લઈ જાય છે એની વાત છતે પૈસે ઠન ઠન ગોપાળમાં આલેખવામાં આવી છે.