તાજેતરમાં થયેલા પુલવામાં હુમલાને પગલે ભારતીય ફિલ્મોદ્યોગે એક અવાજે હુમલાને વખોડવાની સાથે પૂરી ઇન્ડસ્ટ્રી ભારતીય સૈન્યને પડખે હોવાની જાહેરાત કરી હતી. આને પગલે સ્ત્રી, હિન્દી મિડિયમ જેવી ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન (મેડોક ફિલ્મ્સ)એ તેમની ફિલ્મો આતંકવાદ ફેલાવતા દેશમાં રિલીઝ ન કરવાની જાહેરાત કરી હતી.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના 40 જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં કાર્યરત જૈશ-એ-મોહમ્મદે લીધી હોવા છતાં પાકિસ્તાને હુમલામાં એની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ દિનેશ વિજને દેશ પહેલા બિઝનેસ પછીની નીતિ અપનાવી તેમની આગામી ફિલ્મો લુકા છુપી, અર્જુન પતિયાલા અને મેડ ઇન ચાઇનાનો પાકિસ્તાની ડિસ્ટ્રિબ્યુટર સાથેનો કરાર કેન્સલ કર્યો છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય નિર્માતા પણ તેમની ફિલ્મો પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરે એવું ફિલ્મોદ્યોગના જાણકારોનું કહેવું છે.

દિનેશ વિજનની ફિલ્મ લુકા છુપી 1 માર્ચે રિલીઝ થઈ રહી છે.