લાંબા અરસા બાદ ઢોલિવુડની એક પછી એક ચાર ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. આનંદની વાત એ છે કે ચારમાંથી બે ફિલ્મ કૉમેડી છે તોઅન્ય બે ફિલ્મોના કથાનક એકદમ વેગળા છે. આ ફિલ્મો છે સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજ્જુભાઈ – મોસ્ટ વૉન્ટેડ, ધ્રુવ ભટ્ટની સાહિત્ય અકાદમી ઍવોર્ડ વિજેતા નવલકથા તત્ત્વમસી પર આધારિત રાહુલ ભોલે અને વિનિત કનોજિયાની ફિલ્મ રેવા અને સુપરહિટ ગુજરાતી નાટક પર આધારિત લતેશ શાહ દિગ્દર્શિત અને સુજાતા મહેતા-હિતેનકુમાર અભિનીત ફિલ્મ ચિત્કાર. તો જાણીતા અભિનેતા મનોજ જાશી દ્વારા નિર્મિત પહેલી ફિલ્મ ફેરાફેરી હેરાફેરીને જોવા દર્શકો થિયેટરના આંટાફેરા મારવા લાગ્યા છે. ત્રણ અલગ વિષય ધરાવતી ફિલ્મોને દર્શકો જે રીતે વધાવી રહ્યા છે એ જોતા એમ કહી શકાય કે નવા સબ્જેક્ટ સાથે ગુજરાતી ફિલ્મ બનાવવાનું જોશ-હિંમત સર્જકોમાં આવશે એ નક્કી.

મુંબઈમાં જે રીતે દર્શકો ગુજરાતી ફિલ્મો જોવા આવી રહ્યા છે એનો મતલબ એ થયો કે ગુજરાતના ફિલ્મ રસિયાઓ સારૂં ચલચિત્ર હોય તો એ જોવા થિયેટર સુધી આવશે જ. એક રીતે જોવા જઇએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક દાયરામાં બાંધી રાખનારા અને ન ચાલે ત્યારે પ્રેક્ષકોનો વાંક કાઢનારાઓને એક લપડાક સમાન છે. અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો હિટ થઈ છે એની સ્ટારકાસ્ટ જાશો તો એકાદ-બે અપવાદ છોડીને મોટા ભાગે નવોદિતો એમાં ચમક્યા છે. એટલે કે ગુજરાતીઓને સ્ટાર વેલ્યુ કરતા સ્ટોરીને વધુ મહત્ત્વ આપતા હોવાનું લાગી રહ્યું છે.

એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકની એવી માન્યતા હતી કે ઢોલિવુડમાં માત્ર સામાજિક કે ધાર્મિક ફિલ્મો જ દર્શકો આવકારે છે. પરંતુ આજના સર્જકોએ એ માન્યતાનો ભાંગીને ભુક્કો બોલાવી દીધો. છેલ્લા દોઢ-બે વરસમાં ઘણી કૉમેડી ફિલ્મો બની અને હિટ પણ રહી. એ જ રાહ પર સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજ્જુભાઈ શ્રેણીની બંને ફિલ્મો સુપર હિટ થઈ. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ ફિલ્મે મુંબઈમાં પણ બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડી. ગુજ્જુભાઈ આઉટ એન્ડ આઉટ કૉમેડી ફિલ્મ છે.

એજ રીતે મનોજ જોશીની ફિલ્મ સિચ્યુએશનલ કૉમેડી છે. ગુજરાતી ફિલ્મમાં મનોજ જોશી પહેલીવાર ભૂત અને કૉમેડીનો સમન્વય સાધ્યો છે. ફિલ્મની કથા એક એવી વ્યક્તિની છે જેણે સંજાગોવશાત્ બે લગ્ન કરવા પડે છે. શરૂઆતમાં તો બધું સમૂસૂતરૂં ચાલ્યું પણ સિચ્યુએશન એવી સર્જાય છે કે તેણે એક પત્ની સાથે રહેવું પડે છે તો બીજી પાસે ભૂત થઈને જતો હોય છે.

જ્યારે રાહુલ ભોલે અને વિનિત કનોજિયાએ તેમની ફિલ્મ માટે સાહિત્ય અકાદમી ઍવોર્ડ વિજેતા નવલકથા પરથી ફિલ્મ બનાવી જેને માત્ર ગુજરાતના જ નહીં, મુંબઈના દર્શકોને પણ પસંદ પડી હોવાથી ત્રીજા અઠવાડિયા બાદ એના શો વધારવા પડ્યા. ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા મૈયાને કેન્દ્રમાં રાખેલી આ ફિલ્મને સામાન્ય નાગરિકોએ જ નહીં, બુદ્ધિજીવીઓએ પણ વખાણી છે.

તો હાલ રજૂ થયેલી લતેશ શાહ દિગ્દર્શિત અને પેન ઇિન્ડયાના જયંતિલાલ ગડા દ્વારા નિર્મિત ફિલ્મ ચિત્કાર સ્ક્રિઝોફ્રેનિક (મનોરોગી) દરદીના વ્યથા રજૂ કરતી ફિલ્મ છે. હિતેનકુમાર, સુજાતા મહેતા અને દીપક ઘીવાલા અભિનીત ફિલ્મ લોકોને સંદેશ આપે છે કે મનોરોગી એ ગાંડાઓ નથી , આ પણ એક પ્રકારનો રોગ છે જેને મટાડવા માત્ર દવા નહીં, સમાજની હૂંફ ની પણ જરૂર પડે છે.

ટૂંકમાં, ગુજરાતી દર્શકો તો મેચ્યોર હતા અને છે, પરંતુ સર્જકો તેમની જરૂરિયાત મોડી સમજ્યા. પરંતુ જાગ્યા ત્યારથી સવાર સમજી જો ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સારા કથાનકની સાથે સારી માવજતવાળી ફિલ્મો બનાવશે તો એમ કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીરી પણ મક્કમ ગતિએ સુવર્ણયુગમાં ડગ માંડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here