મહારાષ્ટ્રમાં હવે મોબાઇલથી ફિલ્મ બનાવનારને પણ મળશે સરકારી સિબ્સડી

મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણયને કારણે રાજ્યના નાના કસબાથી લઈ મેટ્રો શહેરમાં વસતા નવોદિત કલાકારને મોટો અવસર મળશે. સરકારના નવા નિયમ મુજબ મોબાઇલ ફોનથી શૂટ કરેલી નેવું મિનિટની ફિલ્મ પણ રાજ્ય સરકારની સિબ્સડીને પાત્ર ગણાશે.ફિલ્મ સિબ્સડી સ્કીમના જૂના આદેશમાંની બે મહત્ત્વની શરતો રદ કરાતા આ શક્ય બન્યું છે.

સરકારના નિયમ મુજબ ટુ-કે રિઝોલ્યુશનમાં શૂટિંગ કર્યું તો એક દિવસના શૂટિંગનો ખર્ચ ૨૫ થી ૩૫ હજાર રૂપિયા જેટલો આવે છે. એમાં ય પંદર દિવસનું શૂટિંગ શિડ્યુલ રાખવાની શરત નિર્માતાઓની કમર ભાંગી નાખે એવી હતી. એના કારણે રાજ્ય સરકારે ૨૦૧૩માં ફિલ્મ સબસિડી સ્કીમ અંગેનો સુધારિત આદેશ બહાર પાડ્યો હતો. ડિજિટલ કૅમેરાની ટુ-કેની શરત રદ કરવામાં આવે એવી અપેક્ષા અનેક જણને હતી. સરકારે યોજનામાં સુધારો કરાયેલો પરિપત્ર બહાર પાડવાની સાથે એમાં આ શરત પણ રદ કરી છે.

આ અગાઉ વૅબ પ્રોસેસિંગ સર્ટિફિકેટ અને ડિજિટલ કૅમેરાની ટુ-કે રિઝોલ્યુશનમાં હોવું અનિવાર્ય હતું. હવે આ બંને શરતો રદ કરાતા મોબાઇલના એચડી કૅમેરાથી શૂટ કરેલી ફિલ્મને પણ સબસિડી મળી શકશે. જોકે એ માટે મહેસુલ વિભાગની ફિલ્મને રિલીઝ કરવા અંગેની તમામ શરતો પૂરી કરી હશે તો જ ફિલ્મ સરકારની સબસિડી માટે યોગ્ય ગણાશે.

—————————————————-

શ્રદ્ધા કપૂર

આશિકી-૨, એક હસીના અને હૈદર જેવી હિટ ફિલ્મો આપનાર શ્રદ્ધા કપૂરની ઓકે જાનૂ, હસીના જેવી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ખાસ ઉકાળી શકી નહોતી. હવે શ્રદ્ધાની હૉરર કૉમેડી ફિલ્મ સ્ત્રી શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં એ મહિલાઓને કમજોર માનતા મર્દને દર્દનો અનુભવ કરાવશે. તાજેતરમાં ફિઝિકલ ટ્રેનિંગ દરમ્યાન પગમાં તકલીફ થઈ હોવા છતાં શ્રદ્ધા ફિલ્મના પ્રમોશન માટે ભાગદોડ કરી રહી છે. ફિલ્મી ઍક્શનને આપેલી ખાસ મુલાકાત દરમ્યાન શ્રદ્ધાએ ફિલ્મ ઉપરાંત ભારતીય સમાજમાં મહિલા સુરક્ષા સામેના પડકારો અંગે પણ વાત કરી હતી.

સ્ત્રી રિલીઝ ૩૧ ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે. કેવી છે આ ફિલ્મ?

આ સ્ત્રી લોકોને ડરાવવા પણ માંગે છે અને તેમનું મનોરંજન પણ કરવા માંગે છે. એક હૉરર કામેડી ફિલ્મ છે અને આ પ્રકારની ફિલ્મ પહેલીવાર કરી રહી છું. ફિલ્મમાં એક મેસેજ પણ છે, પરંતુ એ ભાષણબાજી દ્વારા દર્શાવાયો નથી. ફિલ્મનો કન્સેપ્ટ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે.

ફિલ્મનું શૂટિંગ ચંદેરી જેવા નાના શહેરમાં કરાયું છે?

સાચી વાત છે. અમે એક નાનકડા શહેર ચંદેરીમાં ફિલ્મનું શૂટિંગ ચાલીસ દિવસમાં પૂરૂં કર્યું. આવા નાના શહેરમાં શૂટિંગ કરવાની મજા જ કંઈ અલગ હોય છે. કારણ, શહેરની ભાગમભાગથી બ્રેક મળ્યો હતો. બીજું અહીંની ચંદેરી સાડી ઘણી ફૅમસ છે. એટલે મેં મૉમ, માસી, લતાજી, આશાજી, મીનાજી અને ઉષાજી બધા માટે ચંદેરી સાડી ખરીદી.

રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

ઘણો સારો. રાજકુમાર રાવ એક ઘડાયેલો કલાકાર છે. તો પંકજજીની હાજરીને કારણે સેટ પરનો માહોલ મજેદાર બની જતો હતો. લાગતું નહોતું કે અમે શૂટિંગ કરી રહ્યા છીએ.

હૉરર ફિલ્મ છે તો ચંદેરીમાં આવો કોઈ અનુભવ થયો હતો?

ચંદેરીના તમામ લોકોએ અમને ચેતવણી આપી હતી કે રાતના સમયે શૂટિંગ કરતા નહીં. પરંતુ શૂટિંગ શિડ્યુલ એટલું ટાઇટ હતું કે અમારા  માટે રાતના શૂટિંગ કર્યા સિવાય છૂટકો નહોતો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો-હીરોઇનની ફીમાં ભેદભાવ જોવા મળે છે. તમારૂં શું કહેવું છે?

હીરો-હીરોઇનને કેટલા પૈસા ચુકવાય છે એની મને જાણ નથી. પરંતુ મારા અનુભવને આધારે એટલું કહી શકું કે હીરોઇનોની હાલત પહેલાં કરતા ઘણી સારી છે. અને એનાથી મહત્ત્વની વાત એ છે કે હવે કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો જ ચાલે છે. બાકી હીરો માટે કામ છે તો હીરોઇનો માટે પણ પુષ્કળ કામ છે.

ફિલ્મ ફ્લોપ થાય ત્યારે કેવું ફીલ કરો છો?

સ્વાભાવિક છે દુખ થાય. પણ આ તો અમારા પ્રોફેશનનો હિસ્સો છે. ઉતાર-ચઢાવ તો આવ્યા કરે. હા, ફિલ્મ ફ્લોપ થાય ત્યારે લોકોનો નજરિયો પણ બદલાતો હોય છે. જોકે હું નસીબદાર છું કે મારી પાસે સારી ફિલ્મો છે.

રાજકુમાર રાવ

માત્ર અભિનય પ્રતિભાના જોરે માત્ર સાત વરસમાં બૉલિવુડમાં આગવું સ્થાન મેળવવાની સાથે અનેક ઍવોર્ડ પણ મેળવનાર રાજકુમાર રાવ હાલ તેમની આગામી ફિલ્મ સ્ત્રીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૩૧ ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં તેમની હીરોઇન છે શ્રદ્ધા કપૂર. ફિલ્મી ઍક્શન સાથેની તેમની મુલાકાત દરમ્યાન સ્ત્રી ઉપરાંત તેમના સ્ટ્રગલના દિવસોની વાતો પણ કરી હતી.

ચંદેરી જેવા નાનકડા કસ્બામાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?

મહાભારતના સમયથી આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ રહ્યું છે.અહીં અનેક કિલ્લાઓ આવેલા છે ઉપરાંત અહીંની ગલીઓ પણ અલગ પ્રકારની છે. ફિલ્મી માહોલના હિસાબે એક અલગ પ્રકારની નવીનતા જોવા મળશે. હું જ્યારે ત્યાં ગયો ત્યારે મારા પાત્રની તૈયારી માટે સ્થાનિક લોકોને મળ્યો અને તેમની સાથે વાતચીત કરી. અહીં આવીને જાણે હું એક અલગ દુનિયામાં હોઉં એવું લાગી રહ્યું હતું. ફિલ્મમાં અહીંના સ્થાનિક રહેવાસીઓ પણ જોવા મળશે.

આજે ભલે ઇન્ડસ્ટ્રીમાં તમારી ગણના સારા અભિનેતા તરીકે થતી હોય પણ આ સ્થાને પહોંચવા કેટલી સ્ટ્રગલ કરવી પડી?

સ્ટ્રગલ તો ઘણી કરી પણ એના ફળ હું આજે ચાખી રહ્યો છું. હું મુંબઈ આવ્યો દિલ્હીથી આવી સફળતાની ટોચે બિરાજનાર  શાહરૂખ ખાનને જોઈ. જો મુંબઈ બહારની એક વ્યક્તિ જો નામ-દામ કમાઈ શકતી હોય તો હું કેમ નહીં? બસ, આ જ વાત મારા દિમાગમાં ઘર કરી ગઈ અને મેં મુંબઈની વાટ પકડી. લાંબા અરસા સુધી મેં છૂટક કામો કર્યા. અમુક જાહેરખબર તો એવી હતી જેમાં હું દસમા ક્રમાંકે હોઉં. જેમ તેમ કરીને મહિને દસેક હજાર રુપિયા કમાઈ લેતો. ક્યારેક એવા દિવસો આવતા જ્યારે મારા ખીસામાં ફૂટી કોડી પણ ન હોય. એવા સમયે મિત્રો સાથે ખાવાનું શેર કરતો હતો. મેં કોઈ નક્કર પ્લાન બનાવ્યો નહોતો, ઑડિશન થવાનું છે એમ ખબર પડે કે ત્યાં દોડી જતો. તેઓ મને નાના રોલ આપતા હતા અને હું તેમને મોટા રોલ માટે મનાવવાની કોશિશ કરતો, પરંતુ કોઈ માનતું નહોતું. આમ છતાં હું હિંમત હાર્યો નહોતો અને મને વિશ્વાસ હતો કે કોઈ ને કોઈ મારી ટેલેન્ટને પારખશે.

મને આજે પણ યાદ છે કે જ્યાં સુધી લવ સેક્સ ઔર ધોખાના ઑડિશન માટે બોલાવતા નહોતા ત્યાં સુધી હું સતત અતુલ માંગિયાને પૂછતો રહેતો. મેં ૩-૪ ટેસ્ટ આપ્યાને અઠવાડિયું વીતી ગયું છતાં કોઈ જવાબ આવ્યો નહીં. પણ આખરે મારી મહેનત, મારી સ્ટ્રગલનું ફળ મને મળ્યું. હું ઘરમાં એકલો હતો ત્યારે મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો ફોન આવ્યો. એ શબ્દો હતા, હો ગયા હૈ… યુ ગોટ ધ ફિલ્મ.

હું ઘૂંટણ ટેકવીને બેસી ગયો…સૌપ્રથમ મમ્મીને ફોન કરી સમાચાર આપ્યા. બસ, ત્યારની ઘડી અને આજનો દિન પાછા વળીને જાયું નથી.

તાપસી પન્નુ

૨૦૧૦માં દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરિયરની શરૂઆત કરનાર તાપસી પન્નુએ બે વરસના ગાળા બાદ બૉલિવુડમાં એન્ટ્રી કરી. પણ એની પહેલી ફિલ્મ ચશ્મેબદ્દૂરને ખાસ રિસ્પોન્સ ન મળતા ફરી સાઉથ તરફ વળી ગઈ. પછી અચાનક હિન્દી ફિલ્મ બેબીમાં એક નાનકડા પાત્રમાં આવ્યા બાદ એણે પાછું વળીને જાયું નથી. એ પિંક, નામ શબાના અને મુલ્ક જેવી ફિલ્મોના દમદાર પાત્રોમાં જાવા મળી.

બૉલિવુડમાં સ્ટાર બની ગયેલી તાપસી આજકાલ આનંદ એલ. રાય દ્વારા નિર્મિત અને અનુરાગ કશ્યપ દિગ્દર્શિત લવ ટ્રાએન્ગલ ફિલ્મ મનમર્જિયાને કારણે ચર્ચામાં છે. ઉપરાંત પિંક બાદ એ અમિતાભ બચ્ચન સાથે બદલામાં ફરી જોવા મળશે.

કરિયરથી કેટલા ખુશ છો?

ઘણી. મેં મારી કરિયર અંગે જે રીતે વિચાર્યું હતું એ રીતે આગળ વધી રહી છે. પિંકની રિલીઝ બાદ બધાને લાગ્યું કે તાપસી સારી એક્ટિંગ કરી શકે છે. પિંક મારી કરિયરનો ટર્નિંગ પોઇન્ટ છે. પરંતુ મારા માટે ૨૦૧૮નું વરસ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું. મુલ્ક બાદ દર્શકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. તેમને હવે એવું લાગે છે કે તાપસી દરેક પાત્રને કંઇક અલગ અંદાજમાં ભજવી શકે છે.

મુલ્ક વિશે ઘણો વિવાદ થયોપણ દર્શકોનો પ્રતિભાવ કેવો રહ્યો?

આજે પણ ચાહકો મને મળે ત્યારે મુલ્ક વિશે વાત કરતા થાકતા નથી. થોડા દિવસ અગાઉ હું મારી બિલ્ડિંગમાં નીચે ઉતરી રહી હતી ત્યારે મને અટકાવી અને મુલ્ક માટે થેન્ક યુ કહેવાની સાથે દસ મિનિટ સુધી વાતો કરતી રહી. અગાઉ પિંક માટે આ પ્રકારની કોમેન્ટ મળી હતી હવે પાછી મળી રહી છે. એક એક્ટર તરીકે મારા માટે આ મોટી વાત છે.

મનમર્જિયાના દિગ્દર્શક અનુરાગ કશ્યપની ગણતરી ડાર્ક ફિલ્મ બનાવનારમાં થાય છે. તેમની સાથે કામ કરવામાં કોઈ ખચકાટ થયો હતો ખરો?

ના રે, ખચકાટ કેવો? વાત વિશ્વાસની છે. અનુરાગ કશ્યપ ડાર્ક ફિલ્મ બનાવનાર અને ફિલ્મના નિર્માતા આનંદ એલ. રાય રોમાંટિક ફિલ્મ બનાવવામાં પરફેક્ટ મનાય છે. આ બંનેનું કોમ્બિનેશન ઘણું રોચક બની શકે છે એવું વિચારી મેં આ ફિલ્મ સ્વિકારી. બીજી વાત, મેં જ્યારે વાર્તા સાંભળી ત્યારે જ મને સમજાયું કે આ ફિલ્મ કેમ ઑફર કરાઈ. આમ પણ અનુરાગ કશ્યપ કહે છે કે મનમર્જિયાની રુમી હું જ છું.

શું તમે રિયલ લાઇફમાં પણ રુમિ જેવા જ છો?

જી નહીં. રુમીનું પાત્ર મારાથી ઘણું અલગ છે. રુમી કંઇક વધુ પડતી કન્ફ્યુઝ છે. જ્યારે હું મારી લાઇફથી જરાય કન્ફ્યુઝ નથી. મને ખબર છે કે મારે શું જોઇએ છે અને શું નહીં? મારે રુમિ જેવો વાત કરવાનો લહેજો પણ નથી જોઇતો.

અભિષેક અને વિકી કૌશલ સાથે પહેલીવાર કામ કરી રહ્યા છો. બંને કલાકાર અંગે શું કહેવું છે?

બંને ઘણા અલગ પ્રકારના છે. અભિષેક બચ્ચન સિનિયર છે અને એની એક્ટિંગની સ્ટાઇલ ઘણી અલગ છે. ફિલ્મનું પાત્ર એમની રિયલ લાઇફ સાથે ઘણું મળતું આવે છે. જ્યારે વિકી અને મેં લગભગ સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે. વિકી સાથે મારે સારૂં બને છે. એ એક્ટિંગ પણ સારી કરે

હિન્દીમાં બીજી કઈ ફિલ્મ છે?

એક ફિલ્મ છે તડકા. અને બીજી ફિલ્મ બદલા પૂરી થઈ છે. અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મનું માત્ર પાંચ દિવસનું કામ બાકી છે. આ ફિલ્મ ૮ માર્ચ ૨૦૧૯ના રિલીઝ થશે. ઉપરાંત એક ફિલ્મ ભૂમિ પેડણેકર સાથે સાઇન કરી છે જેનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે.

બદલામાં તમે ફરી અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યાં છો. કેટલો ફરક લાગે છે?

કોઈ ફરક નથી લાગ્યો. પિંકમાં તેઓ મારા વકીલ બન્યા હતા અને બદલામાં પણ તેઓ મારા વકીલનું પાત્ર ભજવી રહ્યા છે. પરંતુ મારૂં પાત્ર ઘણું અલગ છે. પિંકમાં મેં જાતીય શોષણનો ભોગ બનેલી છોકરીનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે બદલામાં તેજ-તર્રાર બિઝનેસ વિમેન બની છું.

શું હજું પણ સાઉથની ફિલ્મો કરો છો?

જી. મેં નક્કી કર્યું છે કે વરસે એક ફિલ્મ સાઉથની કરવી. થોડા દિવસ પહેલાં જ મારી તેલુગુ ફિલ્મ નીવવેરી રિલીઝ થઈ હતી. મનમર્જિયાનું પ્રમોશન પૂરૂં થયા બાદ એક તેલુગુ અને તમિલ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ.

આયુષ શર્મા ઃ

બૉલિવુડમાં માંડ આંગળીના વેઢે ગણાય એવા અભિનેતા હશે જેની ચર્ચા ફિલ્મોમાં એન્ટ્રી કરી હોય એના ૨-૩ વરસ અગાઉથી થઈ રહી હોય. આવો એક અભિનેતા છે આયુષ શર્મા. એની પહેલી ફિલ્મ લવયાત્રિ રિલીઝ થઈ પણ ખાસ બિઝનેસ કરી શકી નહીં. લવયાત્રિ નિષ્ફળ ગઈ હોવા છતાં અભિનેતા નિરાશ થયો નથી અને મરાઠઈ ફિલ્મની રીમેક માટેની તૈયારી કરી રહ્યો છે. આ ઍક્શપ્કિડ ફિલ્મમાં આયુષનું નવું રૂપ જોવા મળશે. ફિલ્મી ઍક્શન સાથેની ખાસ વાતચીત દરમ્યાન આયુષે દિલ ખોલીને વાત કરી હતી.

– તમે જે સપનાના કાજળ આંજી  મુંબઈ આવ્યા હતા એ ૫ ઓક્ટોબરે સાકાર તો થયું પણ ધારી સફળતા ન મળી, કેવી લાગણી અનુભવે છે?

સાચું કહું તો અત્યારે નિષ્ફળતા ભૂલીને હું આગામી પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો છું. સફળતા-નિષ્ફળતા તો જીવનમાં વતા રહે છે. મારૂં કામ છે સફળતા હાંસલ કરવા પુરૂષાર્થ કરવાનું.

– કલાકાર આયુષ શર્માને સાળા સલમાન ખાનનું કેટલું માર્ગદર્શન મળ્યું?

પુષ્કળ. મુંબઈ આવ્યા બાદ ચાર વરસ ફિલ્મ નિર્માણના દરેક પાસાંને આત્મસાત કર્યા. સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રીતભાત શીખ્યો. આ બધું સલમાનભાઈને કારણે શક્ય બન્યું.

– તમારા દાદા કાંગ્રેસના દિગ્ગજ નેતા હતા તો પિતા હિમાચલ પ્રદેશની ભાજપ સરકારમાં છે. તો તમે નેતા બનવાને બદલે અભિનેતા બનવાનું કેમ વિચાર્યું?

કદાચ નિયતિએ મારા નસીબમાં નેતાને બદલે અભિનેતા બનવાના લેખ લખ્યાં હશે. મુંબઈ તો હું ભણવા આવ્યો હતો. કૉલેજ દરમ્યાન મિત્રોએ મને કલાજગત તરફ ધકેલ્યો. ત્યાર બાદ મને લાગ્યું કે કરિયર બનાવવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ શ્રેષ્ઠ સાબિત થશે. બાકી વાત રહી પોલિટિક્સની, તો મને જે દિવસે લાગશે કે હું લોકોની સેવા કરવા યોગ્ય બન્યો છું એ દિવસે રાજકારણ જોઇન કરીશ. અને એવા પક્ષ સાથે સંકળાઈશ જે માત્ર ભારતના વિકાસની જ વાત કરતું હોય

– તમારી પહેલી ફિલ્મ લવયાત્રિનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં થયું છે તો ત્યાંની કઈ આઇટમ વધુ પસંદ પડી?

જી, વાત સાચી છે. અમે મોટાભાગની ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કર્યું. ખૂબ પ્રેમાળ લોકો છે. અગાઉ હું કદી ગુજરાત ગયો નહોતો એટલે એના વિશે કોઈ જાણકારી નહોતી. માત્ર સાંભળેલી વાતો જ હતી. પણ ફિઝિકલી ગુજરાત ગયો તો મારી માન્યતા જ બદલાઈ ગઈ. ગુજરાતમાં આમ તો ખાવાની તમામ આઇટમ મસ્ત છે. પણ મને અમદાવાદની સ્પેશ્યલ ખીચડી ઘણી પસંદ પડી. સ્ક્રીન પર મારી માતાનું પાત્ર ભજવી રહેલાં અલ્પના બૂચ મારા માટે ખાસ ખીચડી લઈને આવતા. ખીચડી મારી ફેવરિટ ડિશ છે.

– કેવા પ્રકારની ભૂમિકાઓ ભજવવી ગમશે?

ભવિષ્ય વિશે અત્યારે તો શું કહી શકાય. પણ હા, જા રોમાંન્ટિક અઍક્શન ફિલ્મ કરવાની ઇચ્છા છે અને મારી આગામી ફિલ્મ ઍક્શનથી ભરપુર હશે.

અભિલાષ મીનાવાલા

મૂળ અમદાવાદના પણ વરસોથી મુંબઈમાં સ્થાયી થયેલા જ્વેલર્સના પુત્ર અભિલાષને રિયલ હીરા કરતા ફિલ્મી હીરોને ચમકાવવામાં વધુ રસ હોવાથી ફૅમિલી બિઝનેસને બદલે સિનેજગતમાં એન્ટ્રી કરી. સ્વતંત્ર દિગ્દર્શક બનવા અગાઉ મનીશ શર્મા, અલી અબ્બાસ ઝફર ઉપરાંત બૉલિવુડના દિગ્ગજ સર્જક યશ ચોપરાના સહાયક તરીકે કામ કરી ચુકેલા અભિલાષ મીનાવાલાની સ્વતંત્ર દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ લવયાત્રિ ખાસ સફળ નથઈ. જોકે આશાવાદી અભિલાષ એના આગામી પ્રોજેક્ટની તૈયારીમાં છે.

તમને યશ ચોપરા જેવા દિગ્ગજ સર્જક સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

સાહેબ, ચોપરાસાહેબ તો એક યુનિવર્સિટી જેવા છે. તેમની પાસેથી શીખીએ એટલું ઓછું છે. ફિલ્મના તમામ પાસા પર તેમની ઝીણવટભરી નજર હોય છે. અમેઝિંગ એક્સપિરિયન્સ.

પહેલી જ ફિલ્મ માટે લવયાત્રિ જેવો વિષય પસંદ કરવાનું કોઈ  ખાસ કારણ?

લવયાત્રિ એક નિર્દોષ લવસ્ટોરી હતી. આ વાર્તા પસંદ કરવાનું એવું કોઈ ખાસ કારણ તો નહોતું પણ એની સ્ટોરી હૃદયને સ્પર્શી જાય એવી હોવાથી એના પર પસંદગી ઉતારી. બીજું, સલમાન ભાઈને પણ કથાનક ઘણું ગમ્યું. તમે એમ કહી શકો કે સંપૂર્ણ પરિવાર સાથે માણી શકાય એવી ફિલ્મ હોવાથઈ અમે આ વિષય પસંદ કર્યો હતો.

એક અભિનેતા તરીકે આયુષ વિશે શું કહેશો?

ઘણો ટેલેન્ટેડ અભિનેતા છે. એક કલાકારમાં જે ગુણ હોવા જોઇએ એ તમામ એનામાં છે. બીજું, એક મોટા રાજકારણીનો પૌત્ર-પુત્ર હોવા છતાં કોઈ ઘમંડ નથી. એ નેચરલ એક્ટર છે અને સૌથી મહત્ત્વની વાત એનામાં શીખવાની ધગશ છે.

ગુજરાતમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?

સિમ્પલી સુપર્બ. ગુજરાતના લોકો કહો કે કલાકાર, બધા કો-ઓપરેટિવ છે. અમે અમદાવાદની લક્ષ્મીનારાયણ પોળમાં શૂટિંગ કર્યું તો ત્યાંના રહેવાસીઓ જ અમારા માટે ચા-નાસ્તો લઈને આવતા. પોળમાં વેનિટી વૅન આવી શકે એમ નહોતું એટલે ત્યાંના રહેવાસીઓના ઘરમાં જ કલાકારનો મેકઅપ વગેરે કરતા.

એક ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ બનાવવાનું કોઈ પ્લાનિંગ?

ભવિષ્યમાં મારૂં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની યોજના છે. અને જો કોઈનો સહકાર મળે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મ બનાવીશ.

શું કરી  રહ્યા છે અત્યાર સુધીના બિગબૉસના વિજેતાઓ?

બિગ બૉસના ઘરમાં રહેતા લોકોના ઝઘડાઓ, ઘરમાં ટકી રહેવાના પેંતરાની સાથે બંધાતા નવા સંબંધોને કારણે ચર્ચામાં રહેતા આ શોને જેટલા લોકો ધિક્કારે છે એના કરતા અનેકગણા એ જોવાનું પસંદ કરે છે. બિગ બૉસની નવી સીઝનની શરૂઆત ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ. જોકે શોની જાહેરાત થવાની સાથે અનેક કારણોસર એ ચર્ચામાં રહેતો આવ્યો છે. શોમાં કઈ સેલિબ્રિટી હશે થી લઈ એના ફોર્મેટ સુધીની અનેક પ્રકારની અટકળોનો મારો મીડિયામાં ચાલતો રહ્યો. બિગ બૉસ-૧૨ સીઝનમાં અનેક અટકળો બાદ દીપિકા વિજેતા બની. પરંતુ અગિયાર સીઝનમાં વિજેતા બનેલાઓ અત્યારે શું કરી રહ્યા છે એના પર એક નજર કરીએ.

રાહુલ રાય (સીઝન-૧)

રાહુલ રાય આ શોના પહેલવહેલા વિજેતા બન્યા. જોકે પહેલી સીઝન સલમાન ખાને નહીં પણ અરશદ વારસીએ હૉસ્ટ કરી હતી. રાહુલે આશિકી જેવી સુપરહિટ ફિલ્મ થકી લાખો દિલોમાં ખાસ જગ્યા બનાવી હતી. ફિલ્મ નિર્માતા તરીકે કાર્યરત રાહુલ હાલ ઇન્ટરનેશનલ ફિલ્મ નાઈટ એન્ડ ફાગથી ફરી મોટા પરદે વાપસી કરી રહ્યો છે.

આશુતોશ કૌશિક (સીઝન-૨)

આશુતોષ કૌશિકે એમટીવી રોડીઝને કારણે પુષ્કળ પ્રસિદ્ધિ મળી હતી. આ શોના વિજેતા બન્યા બાદ આશુતોષે બિગ બૉસના ઘરમાં પગ મુક્યા. મળતા અહેવાલો મુજબ આશુતોષ હાલ સહરાનપુરમાં પોતાનો ઢાબા ચલાવી રહ્યો છે.

બિન્દુ દારા સિંહ (સીઝન-૩)

બિન્દુ જાણીતા અભિનેતા અને કુસ્તીબાજ દારા સિંહના પુત્ર છે અને બિગ બૉસ દરમ્યાન લોકોએ તેમને પસંદ પણ કર્યા. થોડા વરસ અગાઉ બિન્દુનું નામ આઈપીએલ મેચ દરમ્યાન સ્પોટ ફિક્સિંગ મામલે બહાર આવ્યું હતું. આજકાલ એ અનેક બ્રાન્ડ્સની લૉન્ચિંગ ઇવેન્ટમાં જોવા મળે છે.

શ્વેતા તિવારી (સીઝન-૪)

ચોથી સીઝન ખાસ હતી કારણે પહેલીવાર કોઈ ફીમેલ કન્ટેસ્ટંટને બિગ બૉસનો ખિતાબ મળ્યો હતો અને આ ખિતાબ શ્વેતા તિવારીએ પોતાને નામે કર્યો હતો. બૉયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા બાદ બીજા બાળકને જન્મ આપ્યો હતો. હાલ શ્વેતા એના પુત્ર રેયાંશની દેખભાળની સાથે ટીવી પર વાપસી કરી રહી છે.

જૂહી પરમાર (સીઝન-૫)

શ્વેતા બાદ ફરી બિગ બૉસનો ખિતાબ ટીવીની બહૂએ જ પોતાને નામ કર્યો હતો. સંજય દત્ત દ્વારા હોસ્ટ કરાયેલી આ સીઝનનો ખિતાબ જૂહી પરમારને મળ્યો. તાજેતરમાં જ જૂહી એના પતિ સચીન શ્રોફથી અલગ થઈ છે.

ઉર્વશી ધોળકિયા (સીઝન-૬)

કસૌટી જિંદગી કેની કોમાલિકાનું પાત્ર ભજવી દર્શકોના દિલમાં ખાસ જગ્યા મેળવનાર ઉર્વશી ધોળકિયાએ બિગ બૉસની છઠ્ઠી સીઝનનો ખિતાબ મેળવ્યો હતો. તાજેતરમાં એ ચંદ્રકાંતામાં નજરે પડી હતી. હાલ એ એકતા કપૂર સહિત અનેક ટીવી સેલેબ્સ સાથે પાર્ટી મનાવતી જાવા મળી હતી.

ગૌહર ખાન (સીઝન-૭)

ગૌહર ખાને આ સીઝનમાં તહેલકો મચાવ્યો હતો. આ સીઝનમાં કુશલ ટંડન સાથેના સંબંધો ખૂબ ચગ્યા હતા. આજકાલ ગૌહર બૉલિવુડમાં વ્યસ્ત છે. છેલ્લે એ બેગમ જાનમાં દેખાઈ હતી.

ગૌતમ ગુલાટી (સીઝન-૮)

શોમાં વિજેતા બન્યા બાદ ગૌતમ દિયા ઔર બાતી સિરિયલમાં ચમક્યો હતો. ત્યાર બાદ અઝહર અને બહેન હોગી તેરી જેવી ફિલ્મો કરી પણ એની છાપ છોડવામાં નિષ્ફળ નીવડ્યો.

પ્રિન્સ નરૂલા (સીઝન-૯)

પ્રિન્સ નરૂલાએ રોડીઝ અને સ્પ્લિટ્સવિલે દ્વારા ખૂબ નામ કમાયો હતો. બિગ બૉસના વિજેતા બન્યા બાદ એ બડી બધૂમાં નજરે પડ્યો હતો. ત્યાર બાદ એ રોડીઝના જજ તરીકે દેખાયો. હાલ પ્રિન્સ નાગિન-૩માં સપેરા શાનની ભૂમિકા ભજવી રહ્યો છે. તો ટૂંક સમયમાં એ એની કો-કન્ટેસ્ટંટ યુવિકા ચૌધરી સાથે લગ્ન કરવાનો છે.

મનવીર ગુર્જર (સીઝન-૧૦)

મનવીર બિગ બૉસના ઇતિહાસમાં પહેલો એવો વિજેતા હતો જે સેલિબ્રિટી નહોતો પણ એના જનૂનને કારણે આગળ વધ્યો અને બિગ બૉનો ખિતાબ અંકે કર્યો હતો. ખેર, શો પૂરો થયા બાદ મનવીર ધીરે ધીરે ગાયબ થઈ ગયો.

શિલ્પા શિંદે (સીઝન-૧૧)

શિલ્પા શિંદે અગિયારમી સીઝનની વિજેતા બની અને બિગ બૉસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ કન્ટેસ્ટંટ મિલિયન ટ્વિટ્સને કારણે ટ્વિટર પર ટૉપ-૩ ટ્રેન્ડની યાદીમાં સામેલ થઈ. તાજેતરમાં શિલ્પા શિંદે સુનીલ ગ્રોવર સાથે દન દના દન શોમાં દેખાઈ હતી. ઉપરાંત બિગ બૉસ-૧૨ના પ્રીમિયર એપિસોડમાં પણ જોવા મળી હતી.

કાશ્મીરની કલી મિલ્લકા સિંઘ બની કૃષ્ણની રાધા

લગભગ તમામ ચૅનલો પર ધાર્મિક સિરિયલ પ્રસારિત થાય છે અને ટીઆરપીની દૃષ્ટીએ જાઇએ તો લગભગ દરેક સિરિયલને દર્શકો ભક્તિભાવથી નિહાળે છે. આવી એક ધાર્મિક સિરિયલ રાધાકૃષ્ણ સ્ટાર ભારત પર દર્શાવાઈ રહી છે. રાધાકૃષ્ણ સિરિયલના લૉન્ચિંગ પ્રસંગે સિરિયલના નિર્માતા સિદ્ધાર્થ કુમાર તિવારીએ સરસ વાત કહી હતી. તેમણે કહ્યું કે, આપણે ત્યાં ધાર્મિક સિરિયલને માયથોલાજીની કેટેગરીમાં મુકવામાં આવે છે. પણ, વિદેશીઓ માટે ભલે એ મિથ (માન્યતા) હોય પણ અમારા માટે,  ભારતવાસીઓ માટે હકીકત છે એટલે હું રાધાકૃષ્ણને માયથોલાજી નહીં પણ ધાર્મિક સિરિયલ કહીશ. સિરિયલમાં અમે કોઈ કચાશ છોડવા માંગતા ન હોવાથી ઉમરગામમાં પાંચ ભવ્ય સેટ બનાવ્યા છે. જેમાં ગોલોક, વૃંદાવન, ગોકુલ, બરસાણા (રાધાજીનું ગામ) અને કંસ મહેલ. સિરિયલનું બીજું મહત્ત્વનું આકર્ષણ છે રાસ લીલા અને પરંપરાગત નૃત્યો. બૉલિવુડના વિખ્યાત કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશ અને તેમનાં પત્ની રેખા ચિન્ની પ્રકાશે મેસ્મરાઇઝ કરી દે એવા નૃત્ય-રાસ કોરિયોગ્રાફ કર્યા છે. રાધાકૃષ્ણની ભૂમિકા માટે અમને એકદમ ઇનોસન્ટની સાથે સુંદર અને પ્રતિભાશાળી ચહેરા જાઇતા હતા. લાંબી શોધ, અનેક ઑડિશન બાદ અમે કૃષ્ણ માટે સુમેધ મુદગલકર અને રાધા તરીકે મિલ્લકા સિંઘની પસંદગી કરી.

ફિલ્મી ઍક્શન સાથે રાધા બનેલી કાશ્મીર કી કલી મિલ્લકા સિંઘે નિખાલસ વાતો કરી હતી. મૂળ કાશ્મીરની મિલ્લકા નાનપણથી એની માસીના પગલે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાની મહેચ્છા સેવી હતી. સોનિયા સિંઘ ટેલિવિઝનનું જાણીતું નામ છે. સોનિયાએ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી શાકા લાકા બૂમ બૂમ, કુમ કુમ, લાઇફ ઓકેની શેર-એ-પંજાબ – મહારાજા રણજિત સિંહ અને જેના થકી પુષ્કળ ખ્યાતિ મળી એ સ્ટાર વનની દિલ મિલ ગયે જેવી અનેક સિરિયલોમાં કામ કર્યું છે.

મિલ્લકા કહે છે કે એને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. એ સાથે સ્કૂલના નાટકોમાં પણ કામ કરતી. માસી મુંબઈમાં અભિનેત્રી હોવાથી મને પણ આ ફિલ્ડમાં જવાની અદમ્ય ઇચ્છા હતી એટલે પાંચેક વરસ અગાઉ મુંબઈ આવી. અહીંની ફાસ્ટ લાઇફને અનુરુપ થઈ શકતી નહોતી એટલે પાછા કાશ્મીર ભાગી જવાનું મન થયું. જોકે મૉમ અને માસીના આગ્રહથી ઑડિશન આપવાની શરૂઆત કરી. મને કોઈ ગતાગમ પડતી નહોતી એટલે ડાયલોગ સ્પીચની જેમ બોલી જતી. કેટલા ઑડિશન આપ્યા હશે એનો આંકડો ય મને યાદ નથી. પરંતુ બે-અઢી વરસ અગાઉ રાધાકૃષ્ણના ઑડિશન માટે ગઈ અને ત્યાં પણ અગાઉના ઑડિશનનું પુનરાવર્તન થયું. મને તો આશા જ નહોતી કે હું ઑડિશનમાં પાસ થઈશ. કારણ, ઍક્ટિંગમાં ઝીરો, ડાયલોગ ડિલિવરી આવડે નહીં અને ઑડિશન આપવા ધુરંધર ગણાતી હીરોઈન આવી હતી. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે મને સિલેક્ટ કરાઈ હોવાનો કોલ આવ્યો. અને હું આ ભવ્યાતિભવ્ય શોમાં સહભાગી બની.

અભિનયની કોઈ વિધિવત તાલિમ લીધી નહોતી તો નિર્માતા-દિગ્દર્શકે રાધાનું પાત્ર કેવી રીતે ભજવવું એની કોઈ ટિપ આપી હતી ખરી?

મારી પસંદગી અઢી વરસ અગાઉ કરાઈ હતી.ત્યાર બાદ અમારો ટ્રેનિંગ પિરિયડ ચાલ્યો. હાર્મોનિયમની સંગાથે ડાયલોગ બોલવા, ડાન્સ કરવો, હું તો કંટાળી ગઈ. પણ સિરિયલનો પહેલો પ્રોમો બહાર આવ્યો ત્યારે મારામાં આવેલા પરિવર્તનને જોઈ અવાક બની ગઈ.

રાધાના પાત્રને આત્મસાત કરવા કેટલી મહેનત કરી? કોઈ ખાસ ગ્રંથો વાંચ્યા હતા?

મને ડિરેક્શન ડિપાર્ટમેન્ટ જેમ કહેતો એમ હું કરતી હતી. અને મને રાધા અંગેનું એક પણ સાહિત્ય વાચવાની મનાઈ કરી હતી. નિર્માતા-દિગ્દર્શકને કોરી પાટી જોઈતી હતી જેથી તેમના કહેવા મુજબની રાધા પરદા પર દર્શાવી શકાય.

તમારા કહેવા મુજબ અભિનય અને ડાયલોગ ડિલિવરીનું જરાય જ્ઞાન નહોતું તો તમારી પસંદગી ક્યા કારણસર કરવામાં આવી?

નિર્દોષતા. તેમને મારામાં રહેલી નિર્દોષતા ઘણી પસંદ પડી અને એ એક જ કારણસર મારી પસંદગી કરવામાં આવી.

સિરિયલમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

અદભુત. શૂટિંગ શરૂ થયું ત્યારે નર્વસ હતી. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા હું કમ્ફર્ટ થતી ગઈ. ઉપરાંત સેટ પર ઉપિસ્થત તમામ કલાકાર મને હેલ્પ કરતો. એક દીકરીની જેમ સાચવવાની સાથે અભિનય-ડાન્સમાં ઇમ્પ્રોવાઇઝ કેમ કરવું એની સલાહ પણ આપે છે.

સ્માર્ટ જનરેશન માટેની સુપર સ્માર્ટ ગુજરાતી ફિલ્મ –  ફેકબુક ધમાલ

પબ્લિક ઇશ્યુ ટાણે કંપની શેર લેવાથી થનારા લાભોની સાથે સંભવિત જાખમી પરિબળો અંગે પણ રોકાણકારોને જાણ કરતી હોય છે, એ જ રીતે ભવિષ્યમાં સ્માર્ટ ફોન ખરીદનારને પણ ફોનના અવનવા ફીચર્સની સાથે એની આડઅસર અંગેની જાણકારી આપતું સચિત્ર બ્રોશર પણ અપાવું જાઇએ. આ વાત કદાચ અતિશયોક્તિભરી લાગે પણ જે રીતે યુવાપેઢી સ્માર્ટ ફોનની વ્યસની બની રહી છે એ જોતા મા-બાપના મગજમાં આવો વિચાર આવે એ સ્વાભાવિક છે.

સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયામાં રમમાણ રહેતી આજની યુવા પેઢીને જાઈ ફિલ્મ સર્જક મનોજ પટેલને પણ કંઇક આવો જ વિચાર આવ્યો અને તેમણે ફેકબુક ધમાલ નામની ગુજરાતી ફિલ્મ બનાવી જેમાં દુનિયાનો છેડો સ્માર્ટ ફોનમાં માનતી આજની યંગ જનરેશનને મનોરંજક શૈલીમાં જોખમી પરિબળો વિશેની જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે.

અગાઉ મેડિકલ ફિલ્ડમાં ચાલતી ગોબાચારી પર પ્રકાશ પાડતી ફિલ્મ કમિટમેન્ટ બનાવ્યા બાદ આજના સળગતા પ્રશ્નને કેન્દ્રમાં રાખી ફેકબુક ધમાલ નામની કામેડી થ્રિલર ફિલ્મ બનાવનાર મનોજ પટેલ કહે છે કે, સ્માર્ટ ફોન અને સોશ્યલ મીડિયામાં ગળાડૂબ રહેતા આજના યુવાનોની ઘણી વાતો એવી છે જે વડીલ વર્ગને ખટકતી હોય છે. જેમકે સવાર ઊઠીને પહેલાં ફોન હાથમાં લેશે પછી ભગવાનને પ્રાર્થના કરશે. પ્રાતઃક્રિયા સમયે પણ ફોન હાથમાંથી નહીં છૂટે. રસ્તે ચાલતા પણ નજર  ફોન પરથી નહીં હટે. સ્કૂલ-કૉલેજમાંમાં પણ લેક્ચર કરતા ફોનમાં ધ્યાન વધુ હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મેં ફેકબુક ધમાલની વાર્તા લખી. ફિલ્મના કેન્દ્રમાં છે એટીકેટી એન્જિનિયરિંગ કાલેજના પ્રિન્સિપલ-પ્રોફેસરથી લઈ વિદ્યાર્થી અને પ્યૂન સુદ્ધાંસ્માર્ટ ફોનના વ્યસની છે. સારાસારનું ભાન ભૂલેલા કૉલેજના વિદ્યાર્થી સ્કૅમ, અનીતિના અડ્ડા જેવા મસાજ પાર્લર વગેરેના ચક્કરમાં ફસાય છે. અને એમાંથી બહાર નીકળવા તેઓ કેવા ધમપછાડા કરે છે એ સમગ્ર વાતને નિર્માતા-દિગ્દર્શક-લેખક મનોજ પટેલે રમૂજી શૈલીથી ફેકબુક ધમાલમાં વણી લીધી છે.

ગુજરાતીમાં પણ હવે વૈવિધ્યસભર વિષય ધરાવતી ફિલ્મ બની રહી છે ત્યારે મનોજ પટેલે એક વર્જિન સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે. એટલું જ નહીં, આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં નિશિત બ્રહ્મભટ્ટ, બિમલ ત્રિવેદી, નંદિની મહેતા, કાર્તિક રાષ્ટ્રપાલ, મનોજ પટેલ, સોહમ શાહ, કૈલાશ શહદાદપુરી, જેની સોની, ૠત્વા પટેલ, વિશાલ વૈદ્ય, વિવેકા પટેલ, જૈવિક ત્રિવેદી, શ્રુતિ બારોટ, નીલમ સુથાર, ભૂમિકા પટેલ, દીપા ત્રિવેદી, રાજેશ ઠક્કર, ધ્રુવ ગોસ્વામી અને હિતેશ નાઇક જેવા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મનોજ પટેલના જણાવ્યા મુજબ ફિલ્મને ટૂંક સમયમાં રિલીઝ કરવાની યોજના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here