ગુજરાતી ફિલ્મો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન અને નવું બળ આપતી નવી ફિલ્મ ઉદ્યોગ નીતિ તૈયાર કરીને તેના અમલની શરૂઆત કરવા માટે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-નાટ્ય જગતના કલાકાર-કસબીઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અભિવાદન કર્યું હતું.

ગુજરાતી સિને જગતના યુવા અને પ્રસિદ્ધ અભિનેતા હિતુ કનોડીયાના નેતૃત્વમાં મુખ્યમંત્રીનું અભિવાદન-સન્માન કરવા માટે રાજ્યના અનેક ખ્યાતનામ કલાકારો, દિગ્દર્શકો-નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સન્માન-અભિવાદનનો પ્રતિભાવ આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મો અને નાટકો રાજ્યની સંસ્કૃતિ, ઇતિહાસ, ગૌરવ અને ગરિમાની વિશ્વભરમાં ઓળખ બનાવે છે. એટલું જ નહિં, ગુજરાત જો અન્ય ક્ષેત્રોમાં નંબર વન છે તો ફિલ્મ ઉદ્યોગ પણ અગ્રેસર બને તેવી નેમ સાથે રાજ્ય સરકારે આ પોલિસી ઘડી છે.

તેમણે કહ્યું કે ગુજરાતી ફિલ્મો-નાટકોને નવું વિશ્વ મળે અને યુવા કલાકારો-કસબીઓને તક મળે અને  યુવાનો પોતાની સાથે રાજ્યનું નામ રોશન કરે તેવા ઉદ્દેશથી પોલિસી તૈયાર કરાઈ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રેક્ષકો-નાગરિકો-કલારસિકોનો સંબંધ અને લાગણી ગુજરાતી ફિલ્મો પ્રત્યે વધુ સુદૃઢ બને તથા ફિલ્મો ચીલાચાલુ ન બની રહેતા સામાજિક પરિવર્તનની સંવાહક બને એવા હેતુથી રાજ્ય સરકારે ફિલ્મ ઉદ્યોગ જગતના અગ્રણીઓને સાથે રાખી આ હોલિસ્ટિક એપ્રોચની પોલિસી ઘડી છે.

રાજ્યમાં વધુ ફિલ્મો બને, સ્ટુડિયોઝ બને એ માટે MoU  પણ થયા છે અને 23 વર્ષના સુશાસનથી અમે પદ-પ્રતિષ્ઠા નહિં પરંતુ જવાબદારીનો હિસ્સો ગણીને ગુજરાતને, ગુજરાતી ફિલ્મોને, નાગરિકોને શ્રેષ્ઠ આપવાનો સંકલ્પ પાર પાડ્યો છે.

મુખ્યમંત્રીએ રાજ્યભરના આ સૌ કલાકારોનો હૃદયપૂર્વક ઋણસ્વીકાર કરતા રાજ્ય સરકાર ફિલ્મ-નાટ્ય જગતને પ્રોત્સાહન અને યોગ્ય વાતાવરણ આપવા સદાય પ્રતિબદ્ધ રહેશે એમ પણ અંતમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે નરેશ કનોડિયા સહિત IMPPA ના ગુજરાતના પ્રતિનિધિઓ હરેશ પટેલ અને રાજુ ભટ્ટ, બૉલીવુડના નિર્માતા આનંદ પંડિત, ગુજરાતી ફિલ્મોના અગ્રણી નિર્માતાઓ વૈશલ શાહ, પરેશ વોરા , યુકિત વોરા,  સંજય શાહ (જેકી), ઉત્પલ મોદી, અશોક આર. પટેલ, હરસુખ પટેલ, શ્રીદત્ત વ્યાસની સાથે અગ્રણી કલાકારો મલ્હાર ઠાકર, હિતેન કુમાર, યશ સોની, મોના થીબા કનોડીયા, પ્રાંજલ ભટ્ટ, પ્રશાંત બારોટ સહિત અન્ય કલાકાર-કસબીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિતુ કનોડીયાએ મુખ્યમંત્રીને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા નિર્માતા/ દિગ્દર્શક અભિલાષ ઘોડા એ કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થાની જવાબદારી પણ અભિલાષ ઘોડાની સંસ્થા તિહાઇની ટીમે ઉપાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here