ઘણી ગુજરાતી ફિલ્મોને દર્શકોના મળેલા આવકાર બાદ ગુજરાત બહારના નિર્માતાનું પણ ઢોલિવુડ પ્રત્યે ધ્યાન ખેંચાઈ રહ્યું છે. પ્રિયંકા ચોપરા નિર્મિત મરાઠી ફિલ્મ વેન્ટિલેટર ગુજરાતીમાં બની રહી છે જેમાં જેકી શ્રોફ પહેલીવાર એની માતૃભાષાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તો અનેકમરાઠી દિગ્દર્શકોએ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ નજર દોડાવી છે.

મૂળ મરાઠી ભાષી પણ વડોદરામાં ઉછરેલા નિખિલ મુસળેની ફિલ્મ રોંગ સાઇડ રાજુએ લાંબા અરસા બાદ ગુજરાતી ફિલ્મને નેશનલ ઍવોર્ડ અપાવ્યો. નિખિલ તો મૂળ ગુજરાતનો જ છે પરંતુ બીજા ઘણા મરાઠી ડિરેક્ટર્સ છે જેમણે મરાઠીમાં હિટ ફિલ્મો આપ્યા બાદ ઢોલિવુડમાં એન્ટ્રી કરી છે.એમાંના એક છે શૈલેષ શંકર કાળે. મરાઠીમાં ઘંટા ફિલ્મ બનાવ્યા બાદ ગુજરાતી ફિલ્મ તંબુરોનું દિગ્દર્શન કર્યું હતું. જોકે કાળેની ગુજરાતી ફિલ્મ એવરેજ રહી.

તો મરાઠીમાં ભારતીય, બે દુણે સાડે ચાર, હી પોરગી કોણાચી, બાઇસ્કૉપ (ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી), કન્ડિશન એપ્લાય જેવી અનેક સફળ ફિલ્મોના દિગ્દર્શક ગિરીશ મોહિતે ફેરાફેરી હેરાફેરીથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. મનોજ જાશી અભિનીત આ ધમાલ કૉમેડી ફિલ્મ૧૩ એપ્રિલે રિલીઝ થઈ હોવા છતાં થિયેટરમાં ધૂમ મચાવી રહી છે.

હવે મરાઠીના બીજા એક મોટા ગજાના લેખક-દિગ્દર્શક સંદીપ નવરે તેમની ગુજરાતી ફિલ્મ બોલ ગાંધી બોલનું શૂટિંગ મેમાં શરૂ કરી રહ્યા છે. લંગર, પકડાપકડી, સાઇ દર્શન, એક અનુભવ અને હિરવા કુંકુ જેવી મરાઠી ફિલ્મો બનાવી ચુકેલા સંદીપ નવરેએ દિગ્દર્શન કરવા ઉપરાંત ફિલ્મનીવાર્તા પણ લખી છે. આણંદ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં ફિલ્માનારી બોલ ગાંધી બોલના કલાકારોની પસંદગી હાલ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here