લગભગ તમામ ચૅનલો પર ધાર્મિક સિરિયલ પ્રસારિત થાય છે અને ટીઆરપીની દૃષ્ટીએ જાઇએ તો લગભગ દરેક સિરિયલને દર્શકો ભક્તિભાવથી નિહાળે છે. આવી એક ધાર્મિક સિરિયલ રાધાકૃષ્ણ સ્ટાર ભારત પર દર્શાવાઈ રહી છે. રાધાકૃષ્ણ સિરિયલના લૉન્ચિંગ પ્રસંગે સિરિયલના નિર્માતા સિદ્ધાર્થ કુમાર તિવારીએ સરસ વાત કહી હતી. તેમણે કહ્યું કે, આપણે ત્યાં ધાર્મિક સિરિયલને માયથોલાજીની કેટેગરીમાં મુકવામાં આવે છે. પણ, વિદેશીઓ માટે ભલે એ મિથ (માન્યતા) હોય પણ અમારા માટે,  ભારતવાસીઓ માટે હકીકત છે એટલે હું રાધાકૃષ્ણને માયથોલાજી નહીં પણ ધાર્મિક સિરિયલ કહીશ. સિરિયલમાં અમે કોઈ કચાશ છોડવા માંગતા ન હોવાથી ઉમરગામમાં પાંચ ભવ્ય સેટ બનાવ્યા છે. જેમાં ગોલોક, વૃંદાવન, ગોકુલ, બરસાણા (રાધાજીનું ગામ) અને કંસ મહેલ. સિરિયલનું બીજું મહત્ત્વનું આકર્ષણ છે રાસ લીલા અને પરંપરાગત નૃત્યો. બૉલિવુડના વિખ્યાત કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશ અને તેમનાં પત્ની રેખા ચિન્ની પ્રકાશે મેસ્મરાઇઝ કરી દે એવા નૃત્ય-રાસ કોરિયોગ્રાફ કર્યા છે. રાધાકૃષ્ણની ભૂમિકા માટે અમને એકદમ ઇનોસન્ટની સાથે સુંદર અને પ્રતિભાશાળી ચહેરા જાઇતા હતા. લાંબી શોધ, અનેક ઑડિશન બાદ અમે કૃષ્ણ માટે સુમેધ મુદગલકર અને રાધા તરીકે મિલ્લકા સિંઘની પસંદગી કરી.

ફિલ્મી ઍક્શન સાથે રાધા બનેલી કાશ્મીર કી કલી મિલ્લકા સિંઘે નિખાલસ વાતો કરી હતી. મૂળ કાશ્મીરની મિલ્લકા નાનપણથી એની માસીના પગલે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાની મહેચ્છા સેવી હતી. સોનિયા સિંઘ ટેલિવિઝનનું જાણીતું નામ છે. સોનિયાએ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી શાકા લાકા બૂમ બૂમ, કુમ કુમ, લાઇફ ઓકેની શેર-એ-પંજાબ – મહારાજા રણજિત સિંહ અને જેના થકી પુષ્કળ ખ્યાતિ મળી એ સ્ટાર વનની દિલ મિલ ગયે જેવી અનેક સિરિયલોમાં કામ કર્યું છે.

મિલ્લકા કહે છે કે એને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. એ સાથે સ્કૂલના નાટકોમાં પણ કામ કરતી. માસી મુંબઈમાં અભિનેત્રી હોવાથી મને પણ આ ફિલ્ડમાં જવાની અદમ્ય ઇચ્છા હતી એટલે પાંચેક વરસ અગાઉ મુંબઈ આવી. અહીંની ફાસ્ટ લાઇફને અનુરુપ થઈ શકતી નહોતી એટલે પાછા કાશ્મીર ભાગી જવાનું મન થયું. જોકે મૉમ અને માસીના આગ્રહથી ઑડિશન આપવાની શરૂઆત કરી. મને કોઈ ગતાગમ પડતી નહોતી એટલે ડાયલોગ સ્પીચની જેમ બોલી જતી. કેટલા ઑડિશન આપ્યા હશે એનો આંકડો ય મને યાદ નથી. પરંતુ બે-અઢી વરસ અગાઉ રાધાકૃષ્ણના ઑડિશન માટે ગઈ અને ત્યાં પણ અગાઉના ઑડિશનનું પુનરાવર્તન થયું. મને તો આશા જ નહોતી કે હું ઑડિશનમાં પાસ થઈશ. કારણ, ઍક્ટિંગમાં ઝીરો, ડાયલોગ ડિલિવરી આવડે નહીં અને ઑડિશન આપવા ધુરંધર ગણાતી હીરોઈન આવી હતી. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે મને સિલેક્ટ કરાઈ હોવાનો કોલ આવ્યો. અને હું આ ભવ્યાતિભવ્ય શોમાં સહભાગી બની.

અભિનયની કોઈ વિધિવત તાલિમ લીધી નહોતી તો નિર્માતા-દિગ્દર્શકે રાધાનું પાત્ર કેવી રીતે ભજવવું એની કોઈ ટિપ આપી હતી ખરી?

મારી પસંદગી અઢી વરસ અગાઉ કરાઈ હતી.ત્યાર બાદ અમારો ટ્રેનિંગ પિરિયડ ચાલ્યો. હાર્મોનિયમની સંગાથે ડાયલોગ બોલવા, ડાન્સ કરવો, હું તો કંટાળી ગઈ. પણ સિરિયલનો પહેલો પ્રોમો બહાર આવ્યો ત્યારે મારામાં આવેલા પરિવર્તનને જોઈ અવાક બની ગઈ.

રાધાના પાત્રને આત્મસાત કરવા કેટલી મહેનત કરી? કોઈ ખાસ ગ્રંથો વાંચ્યા હતા?

મને ડિરેક્શન ડિપાર્ટમેન્ટ જેમ કહેતો એમ હું કરતી હતી. અને મને રાધા અંગેનું એક પણ સાહિત્ય વાચવાની મનાઈ કરી હતી. નિર્માતા-દિગ્દર્શકને કોરી પાટી જોઈતી હતી જેથી તેમના કહેવા મુજબની રાધા પરદા પર દર્શાવી શકાય.

તમારા કહેવા મુજબ અભિનય અને ડાયલોગ ડિલિવરીનું જરાય જ્ઞાન નહોતું તો તમારી પસંદગી ક્યા કારણસર કરવામાં આવી?

નિર્દોષતા. તેમને મારામાં રહેલી નિર્દોષતા ઘણી પસંદ પડી અને એ એક જ કારણસર મારી પસંદગી કરવામાં આવી.

સિરિયલમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

અદભુત. શૂટિંગ શરૂ થયું ત્યારે નર્વસ હતી. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા હું કમ્ફર્ટ થતી ગઈ. ઉપરાંત સેટ પર ઉપિસ્થત તમામ કલાકાર મને હેલ્પ કરતો. એક દીકરીની જેમ સાચવવાની સાથે અભિનય-ડાન્સમાં ઇમ્પ્રોવાઇઝ કેમ કરવું એની સલાહ પણ આપે છે.