ફિલ્મ ઇન્ડસ્ટ્રી બ્લાઇન્ડ ગેમ જેવી છે. તમે હિટ છો ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીમાં ફિટ છો. પણ જેવું ફ્લૉપનું લેબલ લાગ્યું કે લોકો તમારી સામે પણ નહીં જુએ. આમ છતાં અમુક કલાકાર-કસબીઓએ પોતાનું સ્થાન એટલું મજબુત બનાવ્યું છે કે દાયકાઓ બાદ પણ તેઓ ટોચ પર બિરાજી રહ્યા છે. આવો એક કલાકાર છે શાહરુખ ખાન. 1992માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ દીવાનાથી બૉલિવુડમાં ડેબ્યુ કરનાર શાહરુખ આજે પણ ઇન્ડસ્ટ્રીનો કિંગ ખાન છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યાને 27 વરસ થયા, જીવન અને કરિયરના આ તબક્કે તમે શું વિચારો છો?

એક કલાકાર તરીકે હું અન્યો જેટલો સહજ નથી. એનું કારણ હું ચિંતીત છું એવું નથી એ તો અંગત બાબત છે. ઓનેસ્ટ્લી કહું તો હું સાધારણ કલાકાર છું. મેરા ટેલેન્ટ ભી ઉતના નહીં હૈ, એટલે હું ઘરની બહાર હોઉં ત્યારે હંમેશ એક્ટિંગ અંગે જ વિચારતો હોઉં છું.

ઝીરોમાં તમારૂં કેરેક્ટર ઠીંગુજીનું હતું, તો એ સ્વીકારતી વખતે સ્ટારડમ વચ્ચે ન આવ્યું?

જુઓ, હું આટલા વરસોથી કામ કરી રહ્યો છું તો લોકો એને એક્સેપ્ટ કરવાની સાથે પ્રેમ તો કરતા જ હોય છે. હું આ વાત બીજી રીતે કહું તો મારાં લગ્નને ૨૭ વરસ થયા. જો મારી પત્ની ખીર બનાવીને લાવે અને કહે કંઇક અલગ રીતે બનાવી છે તો અમે સ્વીકારી લઈએ છીએ. એમ અમે જો કંઇક નવું આપીએ તો દર્શકો એ સ્વીકારવાની પણ તૈયારી રાખે છે. મેં મારી કારકિર્દી દરમ્યાન અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. મેં રોમાન્સ પણ કર્યો છે તો વિલન બન્યો છું, સ્પોર્ટ્સમેન, દેશભક્ત, કૉમેડી, ડાન્સર જેવા પાત્રો ભજવ્યા છે અને દર્શકોએ પસંદ પણ કર્યા છે. દરેક વખતે એમ વિચારૂં કે ૩૦૦ કરોડની ફિલ્મ બનાવું એ શક્ય નથી. એ માટેનું એક ફોર્મેટ હોય છે. મારા બાળકો પણ મારી ફિલ્મ જુએ તો તેમને પણ લાગવું જોઇએ કે એમના પિતાએ જમાનાને અનુરૂપ ફિલ્મોમાં કામ કર્યું છે. મારો દીકરો ફિલ્મ જુએ અને એમાં વીએફએક્સ વગેરે હોય તો લાગશે કે પાપા જમાનાની સાથે ચાલી રહ્યા છે. દેશના તમામ બાળકો પણ મારા દીકરા જેવા જ છે. બીજું એક અભિનેતા તરીકે મારી પણ ઇચ્છા હોય કે હું અલગ અલગ પ્રકારની ભૂમિકા ભજવું.

તમે ફિલ્મ, ટીવી, આલ્બમ દરેકમાં કામ કર્યું છે, એવો કોઈ ખાસ જોનર જે કરવાની તમારી ઇચ્છા હોય?

જી, વાત સાચી છે. જોકે આજે પણ મને લાગે છે કે ભારતમાં ટેક્નિકલી સાઉન્ડ ફિલ્મો ભાગ્યે જ બને છે. ભારતમાં ફિલ્મોદ્યોગ શરૂ થયાને ૧૦૫ વરસ થયા. ટેક્નોલોજીમાં ઘણો વિકાસ થયો પણ નિર્માતા એનો ઉપયોગ કરતા નથી. આપણે હજી વિદેશી ટેક્નોલોજી પર નિર્ભર છીએ. આપણે દેશમાં કેમ આઇફોન બનાવી શકતા નથી? એ કંપનીમાં જઈ જોશો તો દસમાંથી પાંચ ભારતીય હશે જે ટેક્નિક વિકસાવતા હશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ આત્મનિર્ભર થવાની જરૂર છે.

આજકાલ સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર ઘણા ચમકી રહ્યા છે. આ બાબત સારી છે કે નુકસાનકારક?

હું જ્યારે દિલ્હીમાં ભણતો ત્યારે અખબારમાં પહેલા પાને ફોટો છપાય એ ઘણી મોટી વાત ગણાતી. કોઈ હસ્તી મૃત્યુ પામે ત્યારે તેમના ફોટો છપાતા. એ સમયે મન થતું કે મારે પહેલા પાને ચમકવું છે. જોકે હવે ગમે તે ફોટો આવતા હોવાથી ફર્સ્ટ પેજની વેલ્યુ ઘટી ગઈ. આજકાલના છોકરાઓ કોઈ પણ પ્રકારના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. અને તેમને મળેલી કોમેન્ટ-લાઇક્સથી પોતાની પોપ્યુલારિટી દર્શાવવાનો પ્રયાસ કરે છે. આવી ભ્રામક પોપ્યુલારિટી નુકસાન કરી શકે છે. મારા બાળકો પણ ફોટા અપલોડ કરતા હશે. પરંતુ મારૂં માનવું છે કે, પહેલાં કંઇક અચીવ કરો, ભણતર પૂરૂં કરો, કંઇક બન્યા પછી લાઇમલાઇટમાં આવે. બાકી આ પ્રકારની પ્રસિદ્ધિમાં હું માનતો નથી. હું મારા દીકરાને પણ કહું છું કે, તમે કોઈ ભૂલ કરી હોય તો મારા નામનો દુરૂપયોગ ન કરતા, માફી માંગી લેવી કે કોઈ રીતે એને મનાવી લેવો.

ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તમારા સંતાનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યા છે, તો એક પિતા તરીકે તમારૂં શું કહેવું છે?

મારા દીકરા આર્યનને એક્ટિંગ કરવામાં રસ નથી પણ દીકરી સુહાનાને છે. બંને પહેલા કળા શીખે, પારંગત બને અને કંઇક નવીનતા લાવે. બંનેના પિતાને ઇન્ડસ્ટ્રીએ ઘણું આપ્યું છે અને હું પાછું કેટલું આપી શકીશ એની મને જાણ નથી. પણ મને આશા છે કે મારી દીકરી સારી અભિનેત્રી અને પુત્ર શ્રેષ્ઠ દિગ્દર્શક બને. હું એવો પિતા નથી કે મેરે બચ્ચે લૉન્ચ હોય જાયે, પૈસા કમા લે, સ્ટાર બન જાય. હું એવું માનું છું કે તેઓ ધ્યાનથી શીખે અને માત્ર કમાવાને બદલે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંઇક આપીને જાય. આ તેઓ ત્યારે જ કરી શકશે જ્યારે તેમણે ઉચ્ચ શિક્ષણ લીધું હશે અને કલાને સારી રીતે જાણતા હશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here