જેની પાસે પૈસો-પોલિટિકલ પાવર-શક્તિશાળી હોય એવો યુવાન સ્વાભાવિક છે કે બેલગામ બની જાય. સ્ટાર ભારત પર શરૂ
થયેલી સિરિયલ એક થી રાની એક થા રાવણનો હીરો પણ કંઇક આવો જ બેકાબુ તોખાર જેવો છે. એને રોકવાની કે ટોકવાની
કોઈની હિંમત નથી. ઝાંસીના બેકડ્રોપ પર બનેલી સિરિયલના એક થી રાની એક થા રાવણથી અભિનય ક્ષેત્રે ડગ માંડી રહેલાં
મુખ્ય પાત્રો રાની (મનુલ ચુડાસમા) અને રિવાજ (રામ યશોવર્ધન)એ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન સિરિયલ ઉપરાંત
અંગત વાતો પણ શેર કરી હતી.

મનુલ ચુડાસમા (રાની)

સિરિયલની મેઇન પ્રોટોગોનિસ્ટ એવી રાનીનું પાત્ર ભજવી રહેલી મનુલ કહે છે કે, ઝાંસીમાં રહેતી રાનીનું પાત્ર એકદમ સીધુંસાદું
છે. સરળ સ્વભાવની ગભરૂ છોકરી જેની ઇચ્છા શિક્ષક બનવાની છે. રાની બહાદુર નથી તો ડરપોક પણ નથી. રાની પાછળ
રિવાજ (રામ યશોવર્ધન) પડે છે. મજાક કરવી કે છેડતી કરવી એ જાણે એનો ઇજારો હોય એવું માને છે. રાની એનો મુકાબલો કરે

છે કે ચૂપચાપ એનો ત્રાસ સહન કરે છે એ માટે તમારે સિરિયલ જોવી પડશે.
મનોરંજનની દુનિયામાં એન્ટ્રી કેવી રીતે થઈ? પ્રશ્નના જવાબમાં મનુલ કહે છે કે ટીવી જોઈને મને અભિનયમાં રસ પડ્યો,
એમાં અમારા ઘર પાસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ ચાલતું એ જોવા હું પહોંચી જતી. મને ખૂબ રસ પડ્યો અને મેં
અભિનયને કરિયર બનાવવાનું નક્કી કર્યું. અગાઉ મેં એમબીએ કરવા વિચાર્યું હતું પણ ઍડ ફિલ્મો મળવાની શરૂઆત થતાં
બીએફએમ કરી રહી છું. ટીવીમાં એન્ટ્રી કરવા અગાઉ હિમાલય શેમ્પુ, વસ્મોલ હેર ઓઇલ, મહિન્દ્ર કેયુવી જેવી અનેક ઍડ
ફિલ્મો કર્યા બાદ આ સિરિયલ મળી.
દરેક કલાકારનું સપનું બૉલિવુડમાં એન્ટ્રી કરવાનું હોય છે, તમારી પણ ફિલ્મો કરવાની ઇચ્છા ખરી?
ચોક્કસ કરીશ. માત્ર હિન્દી જ નહીં, દરેક ભાષાની ફિલ્મો કરવાની ઇચ્છા છે. એમાંય ગુજરાતી ખાસ. કારણ મારી માતૃભાષા છે
અને હાલ ગુજરાતીમાં વૈવિધ્યસભર વિષયો પર સુંદર મજાની ફિલ્મો બની રહી છે.

 

રામ યશવર્ધન (રિવાજ)

મૂળ હરિયાણાના રામ યશવર્ધન એક થી રાની એક થા રાવણમાં નેગેટિવ પણ લીડ કેરેક્ટર કરી રહ્યો છે. ફિટનેસ ફ્રીક રામે એના
પાત્રને ન્યાય આપવા દસ કિલો વજન વધાર્યું હતું. રામને શરૂઆતથી જ અભિનયનો શોખ હોવાથી સ્કૂલ કૉલેજમાં નાટકો કરતો.

ઉપરાંત એ કુશળ ઓડિસી ડાન્સર પણ છે અને મંડી હાઉસમાં ડાન્સ શો પણ કર્યા છે. દરમ્યાન, એની ફાઇનલ એક્ઝામને ચાર
મહિનાની વાર હોવાથી મુંબઈ આવ્યો અને કિશોર નમિત કપૂર પાસે અભિનયના પાઠ શીખ્યો. હરિયાણવી રામને પહેલો બ્રેક
મરાઠી ફિલ્મ ઉદયમાં મળ્યો. ફિલ્મ અને રામના અભિનયની ભરપુર પ્રશંસા થઈ પણ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ જવાને કારણે

કરિયરને બ્રેક લાગતા પિતાના ધંધામાં જોડાયો.
મુંબઈ છોડીને જતા રહ્યા હોવા છતાં સિરિયલ કેવી રીતે મળી?
મેં મુંબઈ છોડ્યું હતું, સંબંધો નહીં. એક થી રાની એક થા રાવણનું કાસ્ટિંગ થઈ રહ્યું હતું ત્યારે એક કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન
આવ્યો અને ઑડિશન માટે બોલાવ્યો. આટલા વરસ પછી કોલ આવ્યો એટલે બંદો મુંબઈ પહોંચી ગયો. ઑડિશન થયું અને મારી
પસંદગી થઈ. કેરેક્ટર ભલે નેગેટિવ હોય પણ પડકારરૂપ હોવાથી મેં હા પાડી અને આજે તમારી સમક્ષ બેઠો છું.
તમે નહીં માનો પણ મેં રિવાજના પાત્રને આત્મસાત કરવા પાંચ મહિના મહેનત કરી છે. વજન વધારવાની સાથે બુંદેલખંડી
એસેન્ટ શીખ્યો. એટલું જ નહીં દરેક જગ્યાએ મેં અલગ ટોન રાખવાની કોશિશ કરી છે. હું પાત્ર ભજવતી વખતે ઘણા
એક્પરિમેન્ટ કરૂ છું. અને એટલે જ મારે પ્રાદેશિક ભાષાની ફિલ્મો કરવી છે.
અભિનેતા ઉપરાંત તમે લેખક-કવિ પણ છો…
હા. ફુરસદના સમયે મારો લેખનનો શોખ પૂરો કરૂં છું. મારી પિતા, પ્લેબૉય અને હર રોમ ઉદાસ કવિતાને ઘણી પ્રશંસા મળી છે.