બૉલિવુડમાં માંડ આંગળીના વેઢે ગણાય એવા અભિનેતા હશે જેની ચર્ચા ફિલ્મોમાં એન્ટ્રી કરી હોય એના ૨-૩ વરસ અગાઉથી થઈ રહી હોય. આવો એક અભિનેતા છે આયુષ શર્મા. એની પહેલી ફિલ્મ લવયાત્રિ રિલીઝ થઈ પણ ખાસ બિઝનેસ કરી શકી નહીં. લવયાત્રિ નિષ્ફળ ગઈ હોવા છતાં અભિનેતા નિરાશ થયો નથી અને મરાઠી ફિલ્મની રીમેક માટેની તૈયારી કરી રહ્યો છે. આ ઍક્શપેક્ડ ફિલ્મમાં આયુષનું નવું રૂપ જોવા મળશે. ફિલ્મી ઍક્શન સાથેની ખાસ વાતચીત દરમ્યાન આયુષે દિલ ખોલીને વાત કરી હતી.

 

– તમે જે સપનાના કાજળ આંજી  મુંબઈ આવ્યા હતા એ ૫ ઓક્ટોબરે સાકાર તો થયું પણ ધારી સફળતા ન મળી, કેવી લાગણી અનુભવે છે?

સાચું કહું તો અત્યારે નિષ્ફળતા ભૂલીને હું આગામી પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો છું. સફળતા-નિષ્ફળતા તો જીવનમાં વતા રહે છે. મારૂં કામ છે સફળતા હાંસલ કરવા પુરૂષાર્થ કરવાનું.

– કલાકાર આયુષ શર્માને સાળા સલમાન ખાનનું કેટલું માર્ગદર્શન મળ્યું?

પુષ્કળ. મુંબઈ આવ્યા બાદ ચાર વરસ ફિલ્મ નિર્માણના દરેક પાસાંને આત્મસાત કર્યા. સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રીતભાત શીખ્યો. આ બધું સલમાનભાઈને કારણે શક્ય બન્યું.

– તમારા દાદા કાંગ્રેસના દિગ્ગજ નેતા હતા તો પિતા હિમાચલ પ્રદેશની ભાજપ સરકારમાં છે. તો તમે નેતા બનવાને બદલે અભિનેતા બનવાનું કેમ વિચાર્યું?

કદાચ નિયતિએ મારા નસીબમાં નેતાને બદલે અભિનેતા બનવાના લેખ લખ્યાં હશે. મુંબઈ તો હું ભણવા આવ્યો હતો. કૉલેજ દરમ્યાન મિત્રોએ મને કલાજગત તરફ ધકેલ્યો. ત્યાર બાદ મને લાગ્યું કે કરિયર બનાવવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ શ્રેષ્ઠ સાબિત થશે. બાકી વાત રહી પોલિટિક્સની, તો મને જે દિવસે લાગશે કે હું લોકોની સેવા કરવા યોગ્ય બન્યો છું એ દિવસે રાજકારણ જોઇન કરીશ. અને એવા પક્ષ સાથે સંકળાઈશ જે માત્ર ભારતના વિકાસની જ વાત કરતું હોય

– તમારી પહેલી ફિલ્મ લવયાત્રિનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં થયું છે તો ત્યાંની કઈ આઇટમ વધુ પસંદ પડી?

જી, વાત સાચી છે. અમે મોટાભાગની ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કર્યું. ખૂબ પ્રેમાળ લોકો છે. અગાઉ હું કદી ગુજરાત ગયો નહોતો એટલે એના વિશે કોઈ જાણકારી નહોતી. માત્ર સાંભળેલી વાતો જ હતી. પણ ફિઝિકલી ગુજરાત ગયો તો મારી માન્યતા જ બદલાઈ ગઈ. ગુજરાતમાં આમ તો ખાવાની તમામ આઇટમ મસ્ત છે. પણ મને અમદાવાદની સ્પેશ્યલ ખીચડી ઘણી પસંદ પડી. સ્ક્રીન પર મારી માતાનું પાત્ર ભજવી રહેલાં અલ્પના બૂચ મારા માટે ખાસ ખીચડી લઈને આવતા. ખીચડી મારી ફેવરિટ ડિશ છે.

– કેવા પ્રકારની ભૂમિકાઓ ભજવવી ગમશે?

ભવિષ્ય વિશે અત્યારે તો શું કહી શકાય. પણ હા, જા રોમાંન્ટિક અઍક્શન ફિલ્મ કરવાની ઇચ્છા છે અને મારી આગામી ફિલ્મ ઍક્શનથી ભરપુર હશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here