મૂળ અમદાવાદના પણ વરસોથી મુંબઈમાં સ્થાયી થયેલા જ્વેલર્સના પુત્ર અભિલાષને રિયલ હીરા કરતા ફિલ્મી હીરોને ચમકાવવામાં વધુ રસ હોવાથી ફૅમિલી બિઝનેસને બદલે સિનેજગતમાં એન્ટ્રી કરી. સ્વતંત્ર દિગ્દર્શક બનવા અગાઉ મનીશ શર્મા, અલી અબ્બાસ ઝફર ઉપરાંત બૉલિવુડના દિગ્ગજ સર્જક યશ ચોપરાના સહાયક તરીકે કામ કરી ચુકેલા અભિલાષ મીનાવાલાની સ્વતંત્ર દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ લવયાત્રિ ખાસ સફળ નથઈ. જોકે આશાવાદી અભિલાષ એના આગામી પ્રોજેક્ટની તૈયારીમાં છે.

તમને યશ ચોપરા જેવા દિગ્ગજ સર્જક સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

સાહેબ, ચોપરાસાહેબ તો એક યુનિવર્સિટી જેવા છે. તેમની પાસેથી શીખીએ એટલું ઓછું છે. ફિલ્મના તમામ પાસા પર તેમની ઝીણવટભરી નજર હોય છે. અમેઝિંગ એક્સપિરિયન્સ.

પહેલી જ ફિલ્મ માટે લવયાત્રિ જેવો વિષય પસંદ કરવાનું કોઈ  ખાસ કારણ?

લવયાત્રિ એક નિર્દોષ લવસ્ટોરી હતી. આ વાર્તા પસંદ કરવાનું એવું કોઈ ખાસ કારણ તો નહોતું પણ એની સ્ટોરી હૃદયને સ્પર્શી જાય એવી હોવાથી એના પર પસંદગી ઉતારી. બીજું, સલમાન ભાઈને પણ કથાનક ઘણું ગમ્યું. તમે એમ કહી શકો કે સંપૂર્ણ પરિવાર સાથે માણી શકાય એવી ફિલ્મ હોવાથઈ અમે આ વિષય પસંદ કર્યો હતો.

એક અભિનેતા તરીકે આયુષ વિશે શું કહેશો?

ઘણો ટેલેન્ટેડ અભિનેતા છે. એક કલાકારમાં જે ગુણ હોવા જોઇએ એ તમામ એનામાં છે. બીજું, એક મોટા રાજકારણીનો પૌત્ર-પુત્ર હોવા છતાં કોઈ ઘમંડ નથી. એ નેચરલ એક્ટર છે અને સૌથી મહત્ત્વની વાત એનામાં શીખવાની ધગશ છે.

ગુજરાતમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો?

સિમ્પલી સુપર્બ. ગુજરાતના લોકો કહો કે કલાકાર, બધા કો-ઓપરેટિવ છે. અમે અમદાવાદની લક્ષ્મીનારાયણ પોળમાં શૂટિંગ કર્યું તો ત્યાંના રહેવાસીઓ જ અમારા માટે ચા-નાસ્તો લઈને આવતા. પોળમાં વેનિટી વૅન આવી શકે એમ નહોતું એટલે ત્યાંના રહેવાસીઓના ઘરમાં જ કલાકારનો મેકઅપ વગેરે કરતા.

એક ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ બનાવવાનું કોઈ પ્લાનિંગ?

ભવિષ્યમાં મારૂં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાની યોજના છે. અને જો કોઈનો સહકાર મળે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મ બનાવીશ.